સેમિ ફાઇનલની હારને એક વર્ષ પૂરું થવા પર જાડેજા ભાવુક
નવી દિલ્હી, તા.10: તારીખ 10 જુલાઇ 2019 કદાચ ભારતીય ક્રિકેટ ચાહક કયારે પણ ભૂલી શકશે નહીં. આજથી બરાબર એક વર્ષ અગાઉ 2019ના વર્લ્ડ કપની પહેલી સેમિ ફાઇનલ મેચ માંચેસ્ટરમાં રમાઈ હતી. જેનું પરિણામ 10 જુલાઈએ આવ્યું હતું. વરસાદને લીધે રિઝર્વ ડેના દિવસે મેચ પૂરી થઈ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામે 18 રને આંચકારૂપ હાર મળી હતી. આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ પ9 દડામાં 77 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જો કે તે ટીમને જીત અપાવી શકયો ન હતો. જાડેજાએ આ દિવસને યાદ કરીને સોશિયલ મીડિયા પર એ દિવસનો ફોટો શેર કરીને લખ્યું છે કે મારી જિંદગીના સૌથી દુ:ખદ દિવસ પૈકીનો એક હતો. ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને રવીન્દ્ર જાડેજાએ લખ્યું કે અમે પૂરી રીતે કોશિશ કરી. પણ કયારેક કયારેક ખોટ રહી જતી હોય છે. સૌથી દુ:ખદ દિવસોમાંનો એક. આ મેચ એમએસ ધોનીની પણ આખરી મેચ છે.આ પછી તે હજુ મેદાનમાં વાપસી કરી શકયો નથી. એ મેચમાં ધોનીએ 72 દડામાં પ0 રન કર્યા હતા. તે અણીના સમયે રનઆઉટ થયો હતો. એ પછી એવી ચર્ચા ચાલી હતી કે ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે. જો કે ધોનીએ આજે એક વર્ષ બાદ પણ આ મુદે કોઇ ફોડ પાડયો નથી. તે આઇપીએલમાં રમવાનો છે.