કચ્છમાં પ્રથમ વખત અનેકવિધ જટિલતાથી પીડિત પ્રસુતાનું ડાયાલિસીસ કરી બન્ને માતા-પુત્રીને બચાવી લેવાયાં

ભુજ, તા. 10 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કચ્છમાં સૌપ્રથમ વખત અનેકવિધ જટિલતાથી પીડિત પ્રસુતા ઉપર ડાયાલિસીસ કરી, બંને માતા અને પુત્રીને હોસ્પિટલનાં કિડની, સ્ત્રીરોગ, બાળરોગ અને એનેસ્થેટિક વિભાગે કોરોનાકાળ વચ્ચે સંયુક્ત ઓપરેશન કરી બંને મા-દીકરીને બચાવી લેવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત અને આસી. પ્રો. ડો. રામકુમાર પાટીદારે તથા કિડની રોગ નિષ્ણાત ડો. હર્ષલ વોરાએ કહ્યું કે, આ કેસ એટલો ગૂંચવણભર્યો હતો કે, કોરોના વચ્ચે અમદાવાદ પણ રીફર કરી શકાય નહિ. ઉપરાંત, પરિવારની હાલત પણ આર્થિક રીતે નબળી હતી. માંડવી તાલુકાના વાંઢ ગામના 30 વર્ષીય મહિલા તેની બીજી પ્રસૂતિના 34મા અઠવાડીયે (8 મહિને) હોસ્પિટલમાં આવ્યાં ત્યારે શ્વાસ ચઢતો હતો. શરીરમાં સોજો હતો. તપાસ દરમિયાન તબીબો પરિસ્થિતિ પામી જતાં માતાની કિડનીનો ટેસ્ટ કરાવ્યો તો ક્રિએટિનીન અધધધ.. કહી શકાય તેટલું 11.30 જણાયું (સામાન્ય 1થી ઓછું હોવું જોઈએ) આમ, કિડની નાજુક બનતી જતી હતી. બીજી તરફ બાળકની સ્થિતિ જાણવા સોનોગ્રાફી કરાવી તો બાળક અલ્પવિકસિત જણાયું તેમજ ગર્ભની આસપાસ બાળકને પોષણ માટે જરૂર કરતાં પાણીનો જથ્થો ઓછો હતો.આમ, માતાની હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે, જો ડિલિવરી થાય તો હાર્ટએટેક આવી શકે. કેમ કે, તેનામાં લોહીનું પ્રમાણ 6 ટકા હતું. ઉપરાંત, કિડની ઉપર વર્તાતી વ્યાપક અસરને ધ્યાનમાં લઇ ડાયાલિસીસની તાકીદ ઊભી થતાં તેમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, સાથે બે યુનિટ લોહી પણ ચઢાવવામાં આવ્યું અને દર્દીને આઈ.સી.યુ.માં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં. ડાયાલિસીસ પછી માતાની કિડનીમાં સુધારો જણાયો પરંતુ, માતાનાં ગર્ભમાં રહેલાં બાળક ઉપર પણ નજર રાખવાની આવશ્યક હોવાથી રોજેરોજ સોનોગ્રાફી કરવાનું ચાલુ રાખ્યું અને જણાયું કે, બાળકની ગર્ભમાં સતત વણસતી હાલતને કારણે નોર્મલ ડિલિવરીની રાહ જોવાને બદલે સીઝેરિયન કરવાની ઈમરજન્સી ઊભી થઇ અને જો તેમ ન થાય તો, બાળકનું ગર્ભમાં જ મૃત્યુ પણ થઇ શકે. સીઝેરિયન કરવા માટે પણ સાવચેતી રાખવી જરૂરી હતી, કેમ કે, માતાને બેહોશ કરવાની પ્રક્રિયામાં અપાતી દવાની અસર મર્યાદિત હોય છે. એ લગભગ 20 થી 30 મિનિટના ગાળામાં ઓપરેશન કરવું પડે. આમ, છેવટે સીઝેરિયન સફળ થતાં માત્ર 1.65 કિ.ગ્રા. વજનનાં બાળકનો જન્મ થયો. બાળકનું વજન ઓછું હોવાથી બાળરોગ વિભાગને પણ વિશ્વાસમાં લઇ બાળકને એન.આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યું. આમ, સતત બે અઠવાડિયાંની જહેમત બાદ બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો. સ્ત્રીરોગ વિભાગના વડા ડો. નિમિષ પંડયાનાં માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનમાં એનેસ્થેટિક ડો.પૂજા ફૂમકિયા અને ડો. કરિશ્મા ગાંધી, ડો. ક્રિશ્ના રબારી, ડો. મૌલિક વિગેરે સાથે રહ્યાં હતાં.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer