વાગડની હાઇવેપટ્ટીના ગામોમાં ખનિજચોરી ફરી બેકાબૂ
ભુજ, તા. 10 : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટી (ચાઇનાકલે) ખનિજની ગેરકાયદે ચોરીનો વ્યાપ અનહદ માત્રામાં વધ્યો હોવાની રાડ ઉઠી છે. આ બેનંબરી પ્રવૃત્તિને ડામવાની કાર્યવાહીમાં સરવાળે સંબંધિત તંત્રો હજુ નિષ્ફળ રહ્યાં હોવાની છાપ ઉપસી આવી છે. આ સ્થિતિમાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય તેવું આ વિસ્તાર ઇચ્છી રહ્યો છે. માહિતીગાર સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર કચ્છને બનાસકાંઠા અને પાટણ જિલ્લા સાથે જોડતા ધોરીમાર્ગને અડીને આવેલા વિસ્તારના સણવા, લખાગઢ, ગાગોદર, મોમાયમોરા અને નાગતર સહિતના 20થી 25 ગામોમાં ખનિજચોરી વધી છે. તેમાંયે લોકડાઉન બાદના અનલોકના આ સમયગાળામાં આ પ્રવૃત્તિ ધીરેધીરે પરાકાષ્ઠાએ પહોંચી રહી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ખનિજની ચોરીની બદી ઉપર લગામ માટે મુખ્ય જવાબદારી ખાણખનિજ ખાતાં સાથે પોલીસદળની પણ છે. પોલીસની સરહદ રેન્જના વડા તરીકે મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી નિયુકત થયા બાદ વાગડમાં નિરકુંશ બનેલી ખનિજ તત્વોની તસ્કરી ઉપર થોડો અંકુશ આવ્યો હતો તો એક તબક્કે આ પ્રવૃત્તિ નામશેષ જેવી પણ થઇ ગઇ હતી. પણ છેલ્લા ત્રણેક મહિનાથી પુન: બદીએ માથું ઊંચકતાં અનેક સવાલો ઊભા થયા છે. ધરતીના પેટાળમાંથી ખનિજ તત્વો કાઢતાં તત્વોએ સરકારી, ગૌચર અને પડતર જમીન ઉપરાંત અભયારણ્ય સહિતની કોઇ જગ્યા છોડી ન હોવાના ચિન્હો પણ અત્યારે જોવા મળી રહ્યાં છે. દરમ્યાન જાગૃત લોકોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે પ્રવૃત્તિ વિશે ફરિયાદ કરનારને સામ, દામ, દંડ અને ભેદ સહિતની નીતિ-રીતિઓનો સામનો કરવો પડે છે. સરવાળે જાગૃતો ઉપરાંત બુદ્ધિજીવીઓ અને પર્યાવરણના પ્રેમીઓ માટે પણ આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. બીજીબાજુ માહિતીગાર સૂત્રો હાઇવેપટ્ટીના આ ગામોને આવરી લેતા આડેસર પોલીસ મથકને કેન્દ્રમાં રાખીને વાત કરતાં જણાવે છે કે ખનિજચોરી પુન: વકરવા પાછળ `નિયમિત નજરાણું' કારણભૂત છે. દિવસ-રાત અને ખુલ્લેઆમ કહી શકાય તેટલી હદે થતી પ્રવૃત્તિ સામે નશ્યતરૂપ કાર્યવાહી ન થાય તે માટે સંબંધિતો તમામને સાચવી લેવાતા હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે. આ બેનંબરી અને ઉપરના નાણાંકીય વ્યવહારનો આંક પણ માસાંતે મસમોટો થતો હોવાના આરોપ પણ મુકાઇ રહ્યા છે. જ્યારે અનુભવી સૂત્રો એવી ટિપ્પણી કરી રહ્યાં છે કે ધરતીના પેટાળમાં પડેલાં સોના સમાન ખનિજ કાઢીને બેપાંદડે થયેલા તત્વો ધીરેધીરે જોરાવર અને વગદાર પણ બન્યાં છે. નાનામોટા અનેક માથાંઓ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હોવાથી આ બળુકાં તત્વો વચ્ચે અથડામણ થવાની દહેશત પણ સેવાઇ રહી છે.