રોહા વિસ્તારમાં પવનચક્કીવાળા કેબલ ભૂગર્ભમાં પથરાયા નથી

ગઢશીશા (તા. માંડવી), તા. 10 : નખત્રાણા તાલુકાના સુમરી રોહા વિસ્તારમાં સમયાંતરે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના અહેવાલ `કચ્છમિત્ર' દૈનિકમાં વિસ્તાર સહ પ્રગટ થયા હતા. રાષ્ટ્રીય મોર તથા ઢેલના પવનચક્કીના વીજપોલ તથા વીજરેષામાં અથડાવાથી તથા સંપર્કમાં આવવાથી મોત થતાં પક્ષીપ્રેમીઓ તથા ગ્રામજનો દ્વારા ચિંતિત બની જે તે જવાબદાર કંપની સામે કાયદેસર કરવા વનવિભાગ તથા કલેક્ટર અને નાયબ કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને પગલે કલેક્ટર દ્વારા ગામતળ વિસ્તારમાંથી પસાર થતી વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાવર બંધ રાખવા હુકમ કરાયો હતો. પરંતુ જાગૃત ગ્રામજનોએ એવા આક્ષેપો કર્યા છે કે વીજલાઇનમાં પાવર હજુ પણ ચાલુ છે જે વધારે અકસ્માત સર્જી શકે છે. સાથે સાથે ગામના સ્મશાનથી લઇ મોરવીડી, આશાપુરા માતાજી મંદિર જેવા વિસ્તારોમાં જ્યાં મોરનો વધારે વસવાટ છે ત્યાં અંદાજિત ત્રણ કિ.મી. વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરાય તેવી માગણી કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે જેના કારણે ગામના અંદાજિત ત્રણ કિ.મી. વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર કે ઢેલ કે અન્ય પક્ષીઓ પણ મુક્તપણે રહી શકે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer