પૂર્વ કચ્છની તમામ કચેરી અંજારને આપો
અંજાર, તા.10 : અહીંની વેપારી અગ્રણી સંસ્થા અંજાર કોમર્સ એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારીની શુભેચ્છા મુલાકાત લઈ પૂર્વ કચ્છની તમામ સરકારી કચેરીઓને અંજારમાં કાર્યરત કરવા તથા વિવિધ પ્રશ્નો સહિતના મુદ્દે યોગ્ય કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.વેપારી સંગઠને જીડીએમાંથી અંજારના અમુક ગામડાઓ કાઢી તેને આડામાં સમાવવા, અંજાર બાયપાસ અને યોગેશ્વર ચાર રસ્તા સહિત શહેરમાં આવતા રસ્તાઓના નિભાવ અને જાળવણી અર્થે એક જ એજન્સીને રસ્તા સોંપવા, રોગી કલ્યાણ સમિતિની સંસ્થાને પ્રતિનિધિત્વ આપવા, શહેરની ટ્રાફિક સંલગ્ન બેઠકમાં બોલાવવા, ગાંધી સર્કલ, બસ સ્ટેશન તથા ગંગાનાકા વિસ્તારની ટ્રાફિક સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી.વધુમાં દાદાવાડીથી વરસામેડી નાકા સુધીના માર્ગેને પહોળો કરી ડામર કરવા, અંજારમાં ફ્રેન્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા, અંજારમાં આધારકાર્ડની ધીમી કામગીરી વગેરે મુદ્દા રજૂ કર્યા હતા.જેના પ્રત્યુત્તરમાં અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષીએ યોગ્ય કરવાની હૈયાધારણ આપતાં કહ્યું હતું કે, અંજારમાં ઓફિસ ફાળવવા માટે જુદા-જુદા 14 ખાતાઓને પત્ર લખાયા છે. જે પૈકી માત્ર બે તંત્રનો જવાબ આવ્યો છે.આ માટે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર પણ સક્રિય છે. રિક્ષા પાર્કિંગ માટે જગ્યાનું સૂચન આપવા, અંજારમાં આધારકાર્ડની કામગીરી હાલમાં બંધ છે, આ કામગીરી ઓપરેટર-એજન્સી આધારિત હોવાથી કામગીરી ધીમી હોવાની ફરિયાદ આવે છે. ફરી કામગીરી ચાલુ થાય તે મુદ્દાને ધ્યાને લેવાશે. આ ઉપરાંત તેમણે તમામ મુદ્દા ઉપર યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી. અંદાજિત એક કલાક સુધી ચાલેલી બેઠકમાં પ્રમુખ શિરીષ હરિયા, ભોગીલાલભાઈ, રશીદભાઈ ખત્રી, ડી.સી. ઠક્કર, દિપેનભાઈ, અમૃતલાલભાઈ વગેરે હાજર રહ્યા હતા.