ગાંધીધામમાં નેત્રમ્થી માત્ર કચ્છમાં નોંધાયેલા વાહનો સામે જ ગુનો નોંધાતાં આશ્ચર્ય પ્રસર્યું

ગાંધીધામ, તા. 10 : કોરોના મહામારીના પગલે રાત્રે 10 વાગ્યા બાદ ઘરથી બહાર જરૂરિયાતના કામ વગર ન નીકળવા સરકારે આદેશ આપ્યો છે છતાં પણ આવા સમયે ઘરથી બહાર નીકળનારા લોકોને પોલીસ પકડે છે તથા કરોડોના ખર્ચે લગાવાયેલા કેમેરા થકી પણ ગુનો નોંધવામાં આવે છે, પરંતુ પોલીસના સીસી ટીવી કેમેરા એવા નેત્રમ્ દ્વારા માત્ર સ્થાનિક લોકો વિરુદ્ધ જ ગુનો દાખલ કરાતો હોવાનો ગણગણાટ લોકોમાં થઈ રહ્યો છે.રાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીના સમયમાં જરૂરિયાતના કામ વગર ન નીકળવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવા સમયે બિનજરૂરી રીતે ફરતા લોકોને પકડી પાડી પોલીસ  ગુનો નોંધતી હોય છે તથા માસ્ક ન પહેરનારાઓને દંડ ફટકારવામાં આવતો હોય છે.જ્યાં પોલીસ હાજર ન હોય ત્યાં કરોડોના ખર્ચે લગાવાયેલા પોલીસના સીસી ટીવી કેમેરા (નેત્રમ્) કામ કરતા હોય છે. રાત્રે 10 વાગ્યા બાદ બિનજરૂરી રીતે નીકળેલા વાહનચાલકોના વાહનોના નંબર મેળવી તેમના નામ, સરનામા, આરટીઓ કચેરીમાંથી મેળવી લેવાય છે અને બાદમાં જે-તે પોલીસ મથકે આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા નેત્રમ્ કચેરી દ્વારા લેખિતમાં જાણ કરાય છે. આવી કાર્યવાહી સરાહનીય છે અને લોકો પણ બિનજરૂરી રીતે ઘરથી નીકળતાં ખચકાય છે. પરંતુ કેમેરા (નેત્રમ્)માં ઝડપાયેલા આવા વાહનચાલકો ગાંધીધામ સંકુલ અને તેની આસપાસની સોસાયટીઓમાં રહેતા હોય તો જ આવા ગુના દાખલ કરવામાં આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. આ પ્રતિબંધિત સમયમાં જિલ્લા બહાર અને રાજ્ય બહારના વાહનો પણ ફરતાં હોય છે, પરંતુ ગમે તે કારણે આવા વાહનોને નેત્રમ્ શોધી શકતું નથી અને આવા બહારના લોકો વિરુદ્ધ ગુના દાખલ થતા નથી તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  ત્યારે તમામ લોકો સામે એક સરખી કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer