કાસેઝમાં થયેલી સીલિંગ કાર્યવાહીને લોકડાઉનના સમય સાથે સંબંધ નથી
ગાંધીધામ, તા. 10 : અહીંના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (કાસેઝ) ખાતે ભાડાંથી ચાલતા ઔદ્યોગિક એકમોના સીલિંગની થયેલી કાર્યવાહીને કોરોના મહામારી સંક્રમણના કે લોકડાઉનના સમયગાળા સાથે સંબંધ નથી. એક વર્ષ પહેલાંથી થયેલી કાર્યવાહીનું માત્ર અમલીકરણ છે તેવી સ્પષ્ટતા ઝોન પ્રશાસને કરી છે. કાસેઝના જનસંપર્ક અધિકારી બિનોદકુમારના જણાવ્યા પ્રમાણે દર ત્રણ-ત્રણ મહિને નિયમ મુજબ ભાડું ભરવાનું હોય છે. જો ત્રણ મહિનાનું ભાડું બીજા કવાર્ટરમાં ન ચૂકવાય તો તે પછી વ્યાજ લાગે છે. તે પછી પણ ઉદ્યોગકાર રકમ ન ભરે તો નોટિસ, જાહેર નોટિસ અને ત્યારબાદ સીલિંગની પ્રક્રિયા થાય છે. લોકડાઉનના ત્રણ મહિના એપ્રિલથી જૂન તમામ ઉદ્યોગકારોને વ્યાજમાફી અને ભાડાં ચૂકવણીમાં રાહત અપાઇ છે. ઉપરાંત ભાડું વધારવામાં પણ નથી આવ્યું. દરેક ઉદ્યોગકારના કિસ્સામાં પ્રક્રિયાનો સમયગાળો અલગ અલગ હોવાથી કોઇને નોટિસ તો કોઇના યુનિટ સીલ થાય છે. ગત મહિને સીલ થયેલા યુનિટનો કેસ એક વર્ષ જૂનો એટલે કે 2019નો છે તેવું જનસંપર્ક અધિકારીએ ઉમેર્યું હતું. ઉદ્યોગકાર સામે નછૂટકે કાર્યવાહી કરવી પડે ત્યારે જ આકરાં પગલાં લેવાતા હોવાનું તેમણે જણાવ્યું હતું.