ભુજમાં જર્જરિત ઈમારતોનું ગૂંચવાયેલું કોકડું

ભુજ, તા. 10 : એક માસ પૂર્વે કચ્છમાં અનુભવાયેલા પ.3ની તીવ્રતાના આંચકા બાદ ભુજની જર્જરિત બહુમાળી ઈમારતોનો મુદ્દો ફરી એક વાર સપાટી પર આવવા સાથે તંત્રવાહકોએ પણ પુન: એક વાર સર્વે દરમ્યાન તારવાયેલી ઈમારતોને વેળાસર પાડવાની કવાયત તો આદરી હતી, પણ એકાદ માસનો સમય વીતવા છતાં પ્રક્રિયા કોઈ પરિણામલક્ષી કામગીરી તરફ આગળ ધપી હોય તેવું જણાતું નથી. નવેમ્બરમાં આવેલા 4થી ઉપરના કંપન પછી જર્જરિત બહુમાળી ઈમારતોની મોજણી શરૂ કરાઈ તે દરમ્યાન કોરોનાના કારણે લોકડાઉન આવી જતાં સમગ્ર પ્રક્રિયા ખોરંભે ચડી ગઈ હતી. તેવામાં 14મી જૂને 5થી ઉપરની તીવ્રતાનો આંચકો આવતાં પુન: એક વાર તંત્રમાં પણ આ મુદ્દે સળવળાટ શરૂ થવા સાથે જર્જરિત ઈમારતો તોડી પાડવાની સત્તા નગરપાલિકાને હોઈ પાલિકાના મુખ્ય અધિકારીને સૂચના આપવા સાથે સ્ટ્રક્ચરલ ઓડિટની કામગીરી નિયતપણે કરવા જણાવાયું હતું. જો કે સ્ટ્રક્ચરલ ઓડિટની કામગીરી માટે એજન્સી રોકવા સહિતના માટે મસમોટો ખર્ચ કરવો પડતો હોઈ સુધરાઈના જવાબદારો પણ વિમાસણભરી સ્થિતિમાં મુકાયા હતા. તો વળી હવે ચોમાસાની સિઝનનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આવી જર્જરિત ઈમારતો વધુ જોખમ સર્જે તે પૂર્વે સતકર્તાભરી કામગીરી કરવી અનિવાર્ય બની ગઈ છે. આ બાબતે ડિઝાસ્ટર મામલતદાર સી. આર. પ્રજાપતિને પૂછતાં તેમણે કહ્યું કે, જર્જરિત ઈમારતો તોડવા માટેની પ્રક્રિયા થોડી લંબાણપૂર્વકની હોવા સાથે આવી ઈમારતોમાં કેટલાક લોકો રહેતા હોવાના લીધે માનવીય અભિગમનો ખ્યાલ રાખવો પડતો હોય છે. વળી આવી ઈમારતો તોડી પડાયા બાદ તેમાં રહેતા લોકોના પુન:સ્થાપન માટે કોઈ નિશ્ચિત યોજના ન હોતાં કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે. આમ છતાં સમયાંતરે સમીક્ષા કરી સંબંધિત તંત્રવાહકોની કામગીરીના લેખાંજોખાં લેવાઈ રહ્યા છે. ટૂંક સમયમાં અગાઉ તારવાયેલી ચાર ઈમારતોને તોડી પાડવાનું કાર્ય કરવામાં આવશે તેમ કહ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer