`ધિલજી ગાલ્યું''ના સર્જકોને ઇનામથી નવાજાશે

ભુજ, તા. 10 : કચ્છ અને કચ્છીયતની અસ્મિતાના અક્ષર સ્વરૂપ સમી `કચ્છમિત્ર'નો લોકપ્રિય સાપ્તાહિક કચ્છી વિભાગ `ધિલજી ગાલ્યું' ઓગણચાલીસ વર્ષ પૂરાં કરી ચાલીસમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકયો છે. આ, કચ્છી વાઙમયના અપ્રતિમ અને મંગલમય અવસરની એક વિશિષ્ટ ઉજવણીરૂપે સમગ્ર વર્ષ દરમ્યાન પ્રસારિત થનારા ગદ્ય-પદ્ય યોગદાન પૈકી દર મહિને વિભાગીય સંપાદકની પસંદગીની એક એક ગદ્ય, પદ્ય કૃતિને ક્રમશ: રૂપિયા એક હજાર (ગદ્યને) અને પાંચસો (પદ્યને) `સંપાદકજો રાજીપો' નામે પુરસ્કાર સંપાદક તરફથી અપાશે. ઓગસ્ટ મહિનાથી અમલી બનનાર આ પુરસ્કારની વિચારણા માટે મોકલવામાં આવતી ગદ્યકૃતિની શબ્દમર્યાદા પાંચસોથી છસો શબ્દોની હોવી ઇચ્છનીય છે જ્યારે પદ્ય રચનામાં હાઇકૂ, તાન્કા કે એવા અત્યન્ત લઘુ કાવ્ય પ્રકારો સિવાયની તથા સુદીર્ઘ ન હોય એવી સપ્રમાણ બે રચનાઓ વાંછનીય છે. વિષય તેમજ કૃતિ-પ્રકાર વૈવિધ્ય ઉપરાંત રચના કૌશલ્ય પણ જળવાય એ અપેક્ષિત છે. કૃતિ અપ્રકાશિત અને અપ્રસારિત હોય એ અનિવાર્ય છે. કૃતિ પાનાની એક જ બાજુએ અને સુવાચ્ય અક્ષરે લખેલી કે ટાઇપ થયેલી હોઇ શકે. સર્જકે મોકલાવેલી કૃતિની એક નકલ પોતાની પાસે રાખીને જ રચના મોકલવી તથા કૃતિ સાથેના અલગ પાનાં પર પોતાનું પૂરું નામ, પૂરું સરનામું તથા મોબાઇલ કે લેન્ડ લાઇન સંપર્ક નંબર અવશ્ય આપવા. કૃતિ પસંદગીનો સંપાદકનો નિર્ણય અંતિમ રહેશે તથા પુરસ્કાર વિજેતાઓનાં નામ દર ત્રણ મહિને `ધિલજી ગાલ્યું' વિભાગમાં પ્રકાશિત થશે તેમજ વ્યક્તિગતરૂપે પણ એની જાણ કરાશે.કૃતિઓ સવેળા મોકલવાના ઇજન સાથેનું સરનામું છે જયંતી જોષી `શબાબ' સંપાદકશ્રી : `ધિલજી ગાલ્યું', `હેરમ્બ નિલયમ્' 35-સી/બી, ભાનુશાલીનગર, ભુજ (કચ્છ) 370001. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer