કચ્છ યુનિ.ની મોકૂફ રખાયેલી પરીક્ષા પાંચ ઓગસ્ટથી લેવાશે
ભુજ, તા. 10 : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશથી કચ્છ યુનિ.એ મોકૂફ રાખેલી પરીક્ષા હવે 5 ઓગસ્ટથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયની મંજૂરી મેળવ્યા બાદ જારી કરાયેલા દિશાનિર્દેશના આધારે યુજીસી અને શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા મુજબ આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાર્થીઓની સરળતા હેતુ મુંદરાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. મનીષ પંડયા અને પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠે આપેલી વિગતો અનુસાર અનુસ્નાતક કક્ષા તેમજ ઓલ્ડ પેટર્નના વિદ્યાર્થીઓની પરીક્ષા 5 ઓગસ્ટથી શરૂ કરાશે. વિદ્યાર્થીઓની સરળતા ખાતર ભુજ અને આદિપુર ઉપરાંત રાપર, નખત્રાણા, માંડવી અને મુંદરાને પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. મુંદરા કેન્દ્ર પરથી પરીક્ષા આપવા માગતા હોય તેઓએ ઓનલાઈન ગૂગલ ફોર્મ 15 જુલાઈ સુધી ભરવાનું રહેશે. ઓલ્ડ પેટર્નના છાત્રોનું પરીક્ષા કેન્દ્ર ભુજ રહેશે જ્યારે લોના છાત્રોનું પરીક્ષા સ્થળ જે-તે કોલેજ રહેશે. વર્તમાન પરિસ્થિતિ તથા શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાની હોઈ આવશ્યક ફેરફારોની સંભાવના છે. પરીક્ષાર્થીઓ પોતાની હોલ ટિકિટ પોતાના લોગીનમાંથી ડાઉનલોડ કરી મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ હજારથી વધુ છાત્રો આ પરીક્ષા આપવાના છે. અગાઉ ઉઠેલા વિરોધના સુર વચ્ચે પરીક્ષા મોકૂફ રખાયા બાદ ફરી એકવાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.