રોજગારીની તકનો લાભ લેવાનું યુવાનો ચૂક્યા
ભુજ, તા. 10 : લોડાઉનના પગલે પરપ્રાંતીય શ્રમજીવીઓ તેમના વતનમાં ચાલ્યા ગયા બાદ સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થયું હતું પણ કચ્છના યુવાનો આ તકનો લાભ લેવાનું ચૂક્યા છે. વિવિધ કંપનીમાં 4000 જેટલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા આદરાઇ જેની સામે માંડ પાંચસો જેટલા યુવાનને રોજગારી મળી શકી છે. તો રોજગાર કચેરીના વર્ચ્યુઅલ મેળા યોજવા સહિતના પ્રયાસો હજુ સુધી તો અસરકારક નીવડયા હોય તેવું દેખાતું નથી. જિલ્લા રોજગાર અધિકારી મહેશ પાલાએ માહિતી આપતાં કહ્યું કે, સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે વિવિધ કંપનીમાં ખાલી પડેલી 4000 જેટલી જગ્યા ભરવા વર્ચ્યુઅલ ભરતી મેળા યોજવાનું શરૂ કરાતું હતું. પ્રારંભિક તબક્કે 500 જેટલા યુવાનોને રોજગારી મળ્યા બાદ બીજા યુવાનોએ ખાસ કરીને મજૂરી સહિતના અન્ય કામ કે જેમાં અત્યાર સુધી પરપ્રાંતીયોની હથોટી રહેલી છે તેવા કામો કરવા માટે રસ-રુચિ દાખવતા ન હોવાના કારણે આ સ્થિતિ સર્જાયાનો મત તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં જ્યારે મોટા ભાગના ઔદ્યોગિક એકમોમાં વિવિધ સંવર્ગના કામદારોની મોટી ઘટ પ્રવર્તી રહી છે અને જ્યાં સુધી ટ્રેન વ્યવહાર પૂર્વવત નહીં થાય ત્યાં સુધી પરપ્રાંતીય કામદારો પરત ફરે તેવી ઓછી સંભાવના વચ્ચે યુવાનોની અરુચિભરી વૃત્તિના કારણે ઔદ્યોગિક એકમોમાં ઘટની સ્થિતિ જળવાયેલી જ રહેશે. હજુય વર્ચ્યુઅલ મેળા સહિતના આયોજનો જારી છે અને માત્ર કચ્છ નહીં અન્ય જિલ્લાના યુવાનોને પણ લિન્ક મોકલી હોવા છતાં જોઇએ તેટલી સફળતા ન મળી હોવાની વાત રોજગાર અધિકારી દ્વારા કરવામાં આવી હતી.