નલિયાના આદર્શ કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ

નલિયા (તા. અબડાસા), તા. 10 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા?ખાતે આવેલા ડો. ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (આદર્શ કુમાર છાત્રાલય)માં ધો. 9થી 12ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા અબડાસા મહેશ્વરી સમાજે માગણી કરી છે.સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ કટુઆએ અનુસૂચિત જાતિ કલ્યાણ અને અધિકારિતા વિભાગ ગાંધીનગરના નિયામકને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નલિયામાં બે હાઇસ્કૂલો આવેલી છે. જેમાં ધો. 9થી 12 સુધીનું શિક્ષણકાર્ય પ્રાપ્ય છે.જેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોઇ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા હજી શરૂ કરાઇ નથી. નલિયાના આદર્શ કુમાર છાત્રાલયમાં 166 ગામોના વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવે છે. અગાઉ છાત્રાલયની ક્ષમતા 70 વિદ્યાર્થીઓની હતી, જે વધારીને છેલ્લા સાત વર્ષથી  70ના બદલે  95ની કરવામાં આવી છે. તેમ છતાં છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ નથી.છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાને વિલંબ કરવામાં આવશે તો છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શિક્ષણકાર્યથી વંચિત રહેશે. તેવી પૂરેપૂરી દહેશત ઊભી થવા પામી છે. આથી શાળામાં વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયાની મર્યાદા પૂર્ણ થાય એ પહેલાં છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા સત્વરે શરૂ થાય તેવી માગણી કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer