ધૂપ-છાંવ વચ્ચે કચ્છમાં હળવાં-ભારે ઝાપટાં

ધૂપ-છાંવ વચ્ચે કચ્છમાં હળવાં-ભારે ઝાપટાં
ભુજ, તા. 9 : હવાના હળવા દબાણની અસર તળે બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે મહદઅંશે મેઘવિરામના માહોલ વચ્ચે આજે સવારથી જિલ્લાના ભુજ, અંજાર, ભચાઉ, માંડવી સહિતના વિસ્તારોમાં ધૂપ છાંવના માહોલ વચ્ચે હળવાં ઝાપટાં વરસવાનો દોર જારી રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં સવારે નવથી બપોરના અઢી વાગ્યાના સમયમાં ત્રણ મોટાં ઝાપટાં રૂપે અડધો ઇંચ વરસાદ વરસવા સાથે પાણી રેલાયાં હતાં. આશ્ચર્યની વત એ રહી કે એકાએક જોશીલું ઝાપટું વરસ્યા બાદ તરત જ માંડવીમાં દિવસ ભર ઝાપટા વરસ્યા હતા. સૂર્યનારાયણનાં દર્શન થયાં હતાં. અંજાર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ સવારના સમયે વરસાદી ઝાપટાંએ હાજરી પૂરાવી હતી, તો અત્યાર સુધી સર્વાધિક મેઘકૃપા પામેલા માંડવીમાં વધુ નવ મિ.મી.ની મહેર વરસી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જોકે, કન્ટ્રોલ રૂમમાં માંડવીમાં ચાર મિ.મી. વરસાદની નોંધ થઇ હતી. જિલ્લા કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલા સત્તાવાર વરસાદના આંકડા અનુસાર ભુજમાં 13 મિ.મી., ભચાઉમાં 12 મિ.મી., મુંદરામાં 8 મિ.મી., અંજારમા 9 મિ.મી., નખત્રાણામાં 6 મિ.મી., અબડાસામાં 7 મિ.મી. અને દયાપરમાં 4 મિ.મી. વરસાદની નોંધ થઇ હતી. ગાંધીધામ અને રાપરમાં કોઇ વરસાદની નોંધ થઇ નહોતી. દરમિયાન લો પ્રેશર સિસ્ટમ હવે વિખેરાઇ ગઇ છે પણ ભેજનું પ્રમાણ વધુ હોવા સાથે ચોમાસું સક્રિય અવસ્થામાં હોતાં કેટલાક વિસ્તારમાં છૂટાછવાયાં ઝાપટાંથી લઇ હળવો વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગના વર્તારામાં વ્યક્ત કરવામાં આવી છે. મુંદરાથી મળેલા અહેવાલ અનુસાર અહીં પણ સવારના ભાગે વરસેલાં ઝાપટાંએ પાણી રેલાવી દીધાં હતાં. ભચાઉથી મળેલા અહેવાલ મુજબ શહેરમાં 12 મિ.મી. એટલે અડધા ઇંચ જેવો વરસાદ ત્રણેક ઝાપટાંની ઝડીમાં વરસતાં મોસમનો કુલ્લ વરસાદ 233 મિ.મી. નોંધાયે હતો. જ્યારે ચીરઇ પટ્ટામાં નંદગામ ગોકુળગામમાં પણ ઝાપટાં પડયાં હતાં. એવું રામજીભાઇ આહીરે જણાવ્યું હતું. જંગી ગામમાં બે જેટલાં ઝાપટાં થકી પાણી વહી નીકળ્યાં હતાં એવું અરજણભાઇએ જણાવ્યું હતું. ખારોઇ પટ્ટામાં સામાન્ય ઝરમરિયા હતા. પૂર્વ સરપંચ શિવુભા જાડેજાએ કહ્યું કે, આ પૂર્વેના વરસાદથી જાગેશ્વર નજીકના સુમરાસર તળાવમાં પચીસ ટકા જેટલું પાણી ભરાયું હતું. ચોબારીના લાલજીભાઇ ઢીલાએ કહ્યું કે બે દિવસમાં વરસાદ બાદ જાણે વાવણી માટે મેઘરાજાએ સમય આપ્યો હોય તેમ આજે ઉઘાડ હતો. લોધેશ્વર ત્રણ?રસ્તા નજીક નર્મદા પુલિયાનું કામ ચાલુ છે, ત્યાં વાહનચાલકો પાણી ભરેલા ખાડામાંથી વિશ્વાસે આગળ વધતા દેખાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer