પૂર્વ કચ્છમાં વધુ છ કોરોનામાં સપડાયા

પૂર્વ કચ્છમાં વધુ છ કોરોનામાં સપડાયા
ગાંધીધામ, તા. 9 :પૂર્વ કચ્છના અંજાર ,ગાંધીધામ અને રાપર તાલુકામાં આજે પણ કોરોનાનો કહેર બરકરાર રહ્યો છે. ગાંધીધામમાં આજે એકી સાથે ત્રણ પૈકી બે કેસ ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી બહાર આવ્યા છે. અંજારમાં  પ્રિન્સિપલ સિવિલ જજના પત્ની અને કોર્ટના કર્મચારી જ્યારે રાપર તાલુકાના ફતેહગઢમાં એક યુવાન સંક્રમિત થયા છે. ગાંધીધામમાં આજે આવેલા ત્રણેય કેસની કડી  મુંબઈ સાથે સંકળાયેલી છે. આદિપુરના  વોર્ડ 2બીમાં માનસીબેન સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ગત તા. 2 જુલાઈના મુંબઈથી આદિપુર આવ્યા હતા.  તેમને શંકાસ્પદ લક્ષણ જણાતાં સેમ્પલ લેવાયું હતું.  ગઈકાલે આ જ વિસ્તારથી થોડે દૂર  ટી.આર.એસ.માં  એક યુવાન સંક્રમિત થયો હતો. સતત બીજા દિવસે પણ શહેરમાં સંક્રમણ વધતાં શહેરીજનોમાં  ભારે ચકચાર પ્રસરી છે. ગાંધીધામના ગીચ  વસ્તી ધરાવતા ભારતનગર વિસ્તારમાં બાલાબા જાડેજા કોરોનાનો શિકાર બન્યા છે. આરોગ્ય અધિકારી ડો. દિનેશ સૂતરિયાના જણાવ્યા પ્રમાણે તેમના પુત્રી મુંબઈથી આવ્યા હતા અને 15 દિવસ રહીને પરત ગયા છે. તેમજ તેમનો પુત્ર અગાઉ જે ક્રૂ મેમ્બર સંક્રમિત થયો હતો તે કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમની તબિયત ત્રણેક દિવસથી નાજુક હતી.જ્યારે  ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા સતીશ લક્ષમીકાંત શુકલા 23 જૂનના મુંબઈથી ગાંધીધામ આવ્યા હતા. તેઓ પણ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગઈકાલે સુંદરપુરીમાં અને આજે કાર્ગોમાં કોરોનાએ દેખા દેતાં લોકો ચિંતિત બન્યા છે. આ ત્રણેય કેસમાં અંદાજે 50થી 60 જેટલા લોકો કવોરેન્ટાઈન થશે.અંજારમાં બે દિવસ પૂર્વે પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ પી.જે. ચૌધરી સંક્રમિત થયા હતા.આજે તેમના પત્ની મીતાબેન ચૌહાણ અને અંજાર કોર્ટમાં ફરજ બજાવતા યુવરાજસિંહ મહિપતસિંહ જાડેજાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી ડે. આર.એ. અંજારિયાએ જણાવ્યું હતું.અંજાર ન્યાય સંકુલમાં અગાઉ બે જજ, એક સ્ટેનોગ્રાફર  સંક્રમિત થયા બાદ આજે વધુ બે જણ ઝપટમાં આવતાં ચકચાર પ્રસરી છે.વધુ બે કેસ આવતાં આરોગ્ય વિભાગ અને તાલુકા પ્રશાસનના અધિકારીઓએ કાર્યવાહી આદરી હતી. રાપરમાં ગઈકાલે એક સાથે કોવિડ-19ના  પાંચ કેસ બહાર આવ્યા હતા.આજે  પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાન ઝપટમાં આવી ગયો હતો. વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ ભીમાભા રાજપૂતનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેઓની જિલ્લા બહારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. કામ માટે રાપર અવરજવર રહેતી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો.પોલે કહ્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer