મહામારી વચ્ચે કાસેઝના યુનિટો સીલ થતાં નારાજી

મહામારી વચ્ચે કાસેઝના યુનિટો સીલ થતાં નારાજી
ગાંધીધામ, તા. 9 : એશિયાના પ્રથમ એવાં અહીંના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર(કાસેઝ)માં કાર્યરત આઠેક યુનિટોને કોરોના મહામારીના કપરા કાળમાં ભાડું ન ભરી શકતાં વિકાસ કમિશનર કચેરીએ સીલ મારી દેતાં નારાજગી પ્રસરી છે. ઉપરાંત આ પ્રક્રિયામાં પણ વહાલાંદવલાંની નીતિ અખત્યાર થતાં ઉદ્યોગકારોમાં રોષ પ્રવર્તયો છે. કાસેઝના ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલા સૂત્રોએ આપેલી માહિતી મુજબ એક તરફ કેન્દ્ર સરકાર ઉદ્યોગકારોને બેઠા કરવા વિવિધ રાહતો આપી રહી છે ત્યારે બીજી બાજુ ઝોન પ્રશાસન નિકાસના ઓર્ડરો ધરાવતા ભાડાંના યુનિટોને સીલ મારી બંધ કરવા માંડતાં દેશને મોટો આર્થિક ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. અનેક ઉદ્યોગકારોએ કાસેઝમાં યુનિટો ભાડાં ઉપર લીધાં છે. આવા ઉદ્યોગકારો ભાડું ન ભરી શકતાં પ્રશાસને આ પગલું લીધું છે પરંતુ કેટલાંક યુનિટોને સીલ મારીને તદ્દન બંધ કરાયાં છે જ્યારે કેટલાંકને માત્ર?નોટિસ આપી દેવાઇ છે. કાસેઝના વિશાળ વિસ્તારમાં જ્યારે અનેક ફેક્ટરી બંધ પડી છે, અનેકનો કબ્જો પ્રશાસને લઇ લીધા પછી કોઇ પગલાં લેવાયાં નથી. પરિણામે આ બધાં યુનિટોનાં મકાનો જર્જરિત બન્યાં છે. કાસેઝના પ્રશાસનનું મૂળ કામ વિકાસનું છે પરંતુ નવાં યુનિટો લાવવા, રસ્તાની જાળવણી, ગટરના ગંદા પાણીના નિકાલ જેવાં કોઇ કામ થતાં ન હોવાનો આક્ષેપ થયો છે. બંધ પડેલા યુનિટ ચાલુ કરાવવામાં રસ ન દાખવતું પ્રશાસન જે યુનિટો ચાલુ છે તેને પણ સીલ મારવા લાગતાં હવે ઉદ્યોગકારો ગળે આવી ગયા છે. હજુ થોડા દિવસ પહેલાં જ કાસેઝ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને લીઝ?ભાડાંમાં 500 ગણા અધધધ વધારા સહિતની લેખિત ફરિયાદ કરી હતી ત્યાં હવે પ્રશાસને આકરાં પગલાં લેવા માંડતાં કાસેઝનો વિકાસ રૂંધાઇ જાય તેવા સંજોગોનું નિર્માણ થયું છે. આ સમગ્ર બાબતે કાસેઝના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે ફોન ઊંચક્યો નહોતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer