ભારાસર, પોતાના લાડકવાયા લાલ માટે કરે છે દિન-રાત પ્રાર્થના

ભારાસર, પોતાના લાડકવાયા લાલ માટે કરે છે દિન-રાત પ્રાર્થના
વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 9 : કોરોનાના કારણે વયોવૃદ્ધ અવસ્થા ધરાવતા મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય કર્મવીર પુરુષોત્તમપ્રિયદાસજી ભારાસરના પુત્ર છે.  પોતાના લાડકવાયા લાલ માટે દિન-રાત પ્રાર્થના કરતું નાનું ગામ પ્રેમીજનોમાં ચિંતા મિશ્રિત દુ:ખની છાયા ફેલાઇ છે. તા. 28/5/1942ના કિસાન ખોરડે નાના એવા ગામ અને ગરીબ ઘરમાં હીરજીનો જન્મ થયો, પુત્રના લક્ષણ પારણે... બાળપણથી તેજસ્વી અને દીર્ઘ સ્મૃતિ ધરાવતા હીરજીનું ભણતર ગામની નિશાળમાં આરંભાયું, અહીં રમ્યા, ભમ્યા, કિશોરવય સુધી અહીંના હવા-પાણી, અન્નથી તન પોષાયું. ભુજ તાલુકાનું નાનું એવા ભારાસર ગામમાં પનોતાપુત્ર, દેશ-વિદેશમાં ગાદી સંસ્થાનનું વિશાળ ફલક સ્થાપનારા કર્મવીર, વાત્સલ્યમૂર્તિ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી પૂર્વાશ્રમે માતા રામબાઇ, પિતા સામજીભાઇના કૂખે અહીં જનમ્યા. આજે જીવનના અસહ્ય સમયે આખું ગામ પ્રાર્થના કરી રહ્યું છે. `પુરુષોત્તમ પ્રાગટયધામ' તેમના  જન્મસ્થલી-સ્થળે સન્નાટો છે. પુરુષોત્તમપ્રેમીઓ અહીં આવી નતમસ્તકે શ્રીજી મહારાજને પ્રાર્થના કરે છે. સિદ્ધાંત સજીવન મંડળના સહમંત્રી વિશ્રામભાઇ લાલજી હીરાણી કહે છે કે, મંદિરમાં પ્રતિદિન સાંજે પ્રાર્થના કરીએ છીએ. અખંડ દીપ જલાવ્યો છે. હીરજીભાઇ સામજી માધાણી (હીરાણી)થી શરૂ થયેલી જીવનયાત્રા વિશ્વસંત સુધી વિસ્તરી, દેશ-વિદેશમાં મંદિરો, હોસ્પિટલ, નિશાળો બંધાઇ... ઘણું-ઘણું થયું. જીવનકાળમાં એક દિવસ પણ `છુટ્ટી' ન રાખનારા ગુલે અવિરત પધરામણીઓ કરી સૌને રાજી કર્યા. આજે આ વિભૂતિ હોસ્પિટલના બિછાને છે ત્યારે લાખો હૈયા આયુષ્ય પ્રાર્થી રહ્યા છે. ન માત્ર તેમના સત્સંગી કે અનુયાયી, પણ તેમની માંદગીનું દુ:ખ સંપ્રદાય સિવાયના વર્તુળોમાં પણ છે. તેમના પૂર્વાશ્રમના ભાભી રામબાઇ હીરાણી અંતિમ પરિજનોમાં હયાત છે. ભારાસરમાં રહે છે. કચ્છમિત્ર સાથે વાત કરતાં તેમણે કહ્યું; `પુરુષોત્તમ' ખુદ બધું જાણે છે. એની મરજી હશે તેમ થશે. દરમ્યાન કચ્છી લેવા પટેલ સમાજ-ભુજે તેમની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી સંસ્થાનના વરિષ્ઠ સંત ભગવદ્પ્રિયદાસજી સ્વામીને સંદેશો પાઠવ્યો છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જે. વી. વરસાણી, આફ્રિકા, બ્રિટનના અગ્રણીઓને સાંત્વના આપતાં કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ આખો સમાજ સ્વામીના નિરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે તેવી લાગણી દર્શાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer