મુંદરાની વિખ્યાત ખારેકમાં ખેડૂતોને 80 ટકા હાનિ

મુંદરાની વિખ્યાત ખારેકમાં ખેડૂતોને 80 ટકા હાનિ
અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા-  મુંદરા, તા. 9 :આગોતરો વરસાદ... કોરોનાની મહામારી અને લોકોની ખરીદશક્તિમાં થયેલો ઘટાડો...આ ત્રિવિધ કારણોને લઇને બાગાયતી પાક ખારેકનું ઉત્પાદન કરતા ધરતીપુત્રોને અત્યારે 70થી 80 ટકા જેટલી નુકસાની થઇ હોવાનું પ્રાથમિક તારણો ઉપરથી ઉપસી આવ્યું છે. પ્રથમ વરસાદે જ ઝાડ ઉપર પાકેલી ખારેકનો કડૂસલો બોલાવી દીધો. વરસતા વરસાદમાં ઝાડ ઉપર બચેલી ખારેકને જેમ તેમ નીચે તો ઉતારી લેવામાં આવી અને હાથ લાગી એટલી ખારેકના બોક્સ ભરી લીધા, પણ બીજી મુશ્કેલી એ આવી કે કોરોનાના કારણે કચ્છ બહારની બજારોમાં ખારેકને પહોંચતી કરવામાં મુશ્કેલી ઊભી થઇ. ધ્રબના કિસાન અગ્રણી હુસેનભાઇ તલાટી (તુર્ક)એ માહિતી આપતાં જણાવ્યું કે, મુંબઇમાં કોરોનાની મહામારી વિકરાળ બની છે તેથી ત્યાંની ખારેકની બજારમાં માલ મોકલાતો નથી. અમદાવાદ, સુરત પણ ખારેકની મોટી બજારો છે, ત્યાં પણ એ જ સ્થિતિ છે. કાઠિયાવાડમાં થોડી-ઝાઝી ખારેક જાય છે પણ ભાવ મળતા નથી. ભુજપુરના પ્રગતિશીલ ખેડૂત નારાણભાઇ સુમાર પણ આ જ વાતમાં સૂર પૂરાવતાં કહે છે કે, ભુજપુર, દેશલપર, નવીનાળ વિસ્તારમાં પ્રથમ રાઉન્ડનો વરસાદ જ એવો જોરદાર હતો કે ખારેકના ઝાડ ઉપરના ફળ વરસાદી ઝડી સાથે ટકી ન શક્યા. ખાસ તો કચ્છ બહાર વેચાણ અર્થે નીકળી જતી ખારેક સ્થાનિકે જ રહી ગઇ છે. લોકોની ખરીદશક્તિ પણ મર્યાદિત બની ગઇ છે. સાડાઉના ધરતીપુત્ર દાઉદભાઇ સાંધ જણાવે છે કે ખારેકની નુકસાની લગભગ 80 ટકા જેટલી ગણી શકાય. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. સૌરાષ્ટ્રની બજારોમાં ખારેકની નિકાસ લગભગ ઠપ જેવી છે એવું શ્રી સાંધે જણાવ્યું હતું. તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોના ખારેકના જથ્થાબંધ વેપારીઓ માલ લઈ જાય છે. મહત્ત્વની વાત એ છે કે સુરત સુધી કચ્છી મેવો તરીકે ઓળખાતી ખારેક ત્યાંથી દક્ષિણ ભારત, મુંબઇ સહિત દેશના અન્ય ભાગોમાં રવાની થાય છે. વેપારની આ કડી નબળી પડી જવાથી નિકાસને નુકસાની પહોંચી છે.મુંદરા તાલુકાના વાડી વિસ્તારમાં ખારેકને ઝાડ ઉપરથી ઉતારવાની, વર્ગીકરણ કરવાની, બોક્સ પેકિંગ કરવાની અને છેલ્લે ટેમ્પા કે ટ્રકમાં ખડકાઇને રવાની કરવાની પ્રવૃત્તિઓનો ધમધમાટ મંદ પડયો છે. કંઠીપટ્ટ મુંદરાના બાગાયતી પાકો લેતા `પરથમીના પોઠી'નું અર્થતંત્ર ખારેકની આવક ઉપર નિર્ભર હોય છે. કેસર કેરીમાં જે ફાયદો થયો એવો ફાયદો ખારેકમાં ન થયો. સામાન્ય રીતે ખારેકનો 90 ટકા માલ વેચાઇ જાય ત્યારબાદ વરસાદની એન્ટ્રી થતી, જે ચાલુ વર્ષે શક્ય ન બન્યું. મોડેથી પાકતી ઇઝરાયલી ખારેકની વેરાયટી `બારટી' હવે બજારમાં આવશે પણ વિશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રકારની કચ્છી દેશી?ખારેક કિસાનોના નવડા મિલાવી દેશે પણ ઝાઝો કસ નીકળે એમ નથી.સ્થાનિક ખારેક સંશોધન કેન્દ્રના અધિકારી કપિલ મોહન શર્મા સત્તાવાર માહિતી આપતાં જણાવે છે કે, મુંદરા તાલુકામાં 10 હજાર હેક્ટરમાં ખારેકનું વાવેતર થયું છે અને વાર્ષિક 10 કરોડ કિલોનું ખારેકનું ઉત્પાદન માત્ર મુંદરા તાલુકામાં થાય છે. ખારેકની લઘુતમ કિંમત પ્રતિ કિલોના પાંચ રૂપિયા પકડીએ તો 50 કરોડ રૂા.ની ખારેકનું ઉત્પાદન મુંદરા તાલુકામાં થાય છે. ખારેકના બજાર ભાવમાં એટલો મોટો તફાવત છે કે ઉત્પાદનને રૂપિયામાં મુલવવું કઠિન છે તેવું શ્રી શર્માએ જણાવ્યું હતું.છેલ્લા બે દાયકા દરમ્યાન ટિશ્યૂ કલ્ચર રોપાની માંગ અને વાવેતરમાં જબરો ઉછાળો આવ્યો છે. એથી ખારેકનું વાવેતર કેટલું વધ્યું અને ખારેકનું ઉત્પાદન કેટલું વધ્યું એ જાણવા મોટો પરિશ્રમ કરવો પડે તેમ છે.ખારેકનું ઉત્પાદન લેતા ખેડૂતોને નુકસાની વેઠવી પડશે એ સ્પષ્ટ દેખાય છે, પણ સારા વરસાદના ચિન્હોના કારણે અન્ય પાકોમાં તેનો ફાયદો પણ થશે.દરમ્યાન તા. 6ની રાતનો અને તા. 7ના દિવસના સાંબેલાધાર વરસાદે ખારેકની નુકસાનીના આંકને ઊંચો લાવી દીધો છે. તેમ કાઠિયાવાડમાં પણ મુશળધાર વરસાદ હોવાથી ત્યાં પણ ખારેક વેચી શકાય તેમ નથી. ધરતીપુત્રો એમ જણાવે છે કે ખારેકમાં ભલે નુકસાની વેઠવી પડે પણ તળ સંચયનું મોટું કામ ચાલુ વર્ષે થયું છે. નદી-નાળાં બે કાંઠે વહી ચૂક્યા છે. ચેકડેમ, તળાવ અને નાની તલાવડીઓ ઓગની ગઇ છે જેથી તેનો ખૂબ મોટો ફાયદો કિસાનોને થશે. વરસાદે ઝાડ ઉપર પાકેલી ખારેકને ઉતારવાની તક જ નથી આપી. પાતાળ પાણી ઉતર્યાનો સંતોષ પણ કાંઇ ઓછો નથી ને ? 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer