રાજ્ય મીઠાઈ ફરસાણ ઉત્પાદક મહામંડળમાં કચ્છના બે જણ વરાયા

રાજ્ય મીઠાઈ ફરસાણ ઉત્પાદક મહામંડળમાં કચ્છના બે જણ વરાયા
ગાંધીધામ, તા. 9 : ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ ઉત્પાદક મહામંડળમાં કચ્છને સ્થાન મળ્યું છે. જેમાં કચ્છના બે વેપારીની મંત્રી તરીકે વરણી કરાઈ છે.તાજેતરમાં અમદાવાદ ખાતે મહામંડળની બેઠક  કિશોર શેઠના અધ્યક્ષસ્થાને મળી હતી. આગામી સમય  માટેના હોદ્દેદારોની વરણી કરવાની પ્રક્રિયા આદરવામાં આવતાં પ્રમુખ તરીકે અમદાવાદના કમલેશ કંદોઈની નિયુક્તિ કરાઈ હતી. આ વખતે મહામંડળમાં કચ્છને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. મૂળ ખાવડાના રવિભાઈ દાવડા (ખાવડા સ્વિટ હાઉસ-ગાંધીધામ) અને અંજારના અમરીશ કંદોઈની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમની વરણીથી કચ્છમાં મીઠાઈ-ફરસાણના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓમાં હર્ષની લાગણી પ્રસરી છે. રવિભાઈ લાંબા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હાલ ગાંધીધામ મીઠાઈ ફરસાણ એસોસીએશનમાં મંત્રી તરીકે કાર્યરત છે. વ્યવસાય સંબંધી કાયદાકીય બાબતો તેમજ સંબંધિત  કચેરીઓ સાથે સંકલન  ધરાવે છે. આગામી સમયમાં સમગ્ર રાજ્યના આ ક્ષેત્રના વેપારીઓને ઉપયોગી થવાની નેમ તેમણે વ્યકત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer