કકરવામાં મનરેગા તળે કેનાલનું નમૂનેદાર કામ

કકરવામાં મનરેગા તળે કેનાલનું નમૂનેદાર કામ
ભચાઉ, તા. 8:મનરેગા યોજના ગ્રામીણ ક્ષેત્રમાં સત્કાર્યરૂપે ઉપયોગી બનાવાય તો સોનામાં સુગંધ ભળી જાય. તેનું ઉદાહરણ છે કકરવા ગ્રામ પંચાયત હેઠળ શરૂ કરાયેલું મનરેગા હેઠળ સિંચાઈની માઈનોર કેનાલનું કામ. આ કેનાલનું સફાઈ કામ પ્રથમ વખત 125 મજૂરો દ્વારા છેલ્લા 15 દિવસથી કરાઈ રહ્યું છે. કુલ 7 કિ.મી. પૈકી 6 કિ.મી. સફાઈ કાર્ય માટે મંજૂરી મળી છે. આ કામ સંપન્ન થવાથી 500 હેક્ટરમાંથી હવે 900 હેક્ટરમાં શિયાળુ પાકમાં પિયત થઈ શકશે. 215 જેટલા મંડળી સભાસદોમાં હવે 120 વધારે જોડાતા 335 જેટલા ખેડૂતોને આ લાભ મળશે. ચાંગ ડેમ સિંચાઈ ખેડૂત મંડળીના ચેરમેન એડવોકેટ એમ.કે. ઉંદરિયાએ જણાવ્યું હતું કે ચાંગ સિંચાઈ ડેમમાં ગત વર્ષે પણ સારો વરસાદ હતો. તાજેતરમાં પાંચ ઈંચ જેવો ઉપરવાસમાં વરસતાં નવાં 7 ફૂટ નીર આવ્યાં છે. હવે નવસો હેક્ટર જમીનમાં પિયત થતાં શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે. જરૂર પડે રામમોલ-ચોમાસુ પાકમાં પણ લાભ થઈ શકે એવું ચેરમેન ઉંદરિયા અને મંત્રી બળુભા રાહુભા જાડેજાએ જણાવ્યું હતું. અત્યારે ચાલતા મનરેગા હેઠળના કામ 2 કિ.મી. થઈ ગયાં છે. મજૂર વર્ગને સ્થાનિકે રોજગારી મળી છે, સરકાર તરફથી 6 કિ.મી.ની મંજૂરી મળી છે. વરસાદી સિઝનમાં નાની મોટી ઝાડી, ઝાંખરાં, પથ્થર, માટી જેવા કચરા પેટા કેનાલમાં ભરાઈ રહેતા હોય છે. ડેમ ઊંચાઈ તરફ હોવાથી નીચે ખેતરો છે તેથી અહીં કુદરતી રીતે પાણી ખેતીવાડી માટે ધોરિયા પદ્ધતિથી પિયતનો લાભ મળે છે.આ ડેમની કામગીરીને અનુરૂપ મનરેગાના કામ થતાં જિલ્લા વિકાસ અધિકારી તરફથી પણ અભિનંદન મળ્યાં હતાં. કંથકોટ અને બાદરગઢ, રામવાવ વિસ્તાર ઊંચાઈ પર હોવાથી આથમણી અને દખણાદી સીમનું પાણી ચાંગ ડેમમાં આવે છે. આમ, લાંબા અંતરનું પાણી અહીં પહોંચતાં ડેમ ભરાવામાં કુદરતી ભૌગોલિક શક્યતાઓ વધુ રહે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer