પ્રાગપર ખાતે પાંચ એકરના પ્લોટમાં જૈવ વિવિધતા પાર્ક વિકસાવાશે

પ્રાગપર ખાતે પાંચ એકરના પ્લોટમાં જૈવ વિવિધતા પાર્ક વિકસાવાશે
મુંદરા, તા. 9 :તાલુકાના પ્રાગપર મુકામે અદાણી ફાઉન્ડેશન દ્વારા એન્કરવાલા આહિંસાધામ સંચાલિત નંદી સરોવર ખાતે આવેલા પાંચ એકર પ્લોટને બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) પાર્ક તરીકે વિકસાવવામાં આવશે. એન્કરવાલા આહિંસાધામ સંસ્થાના માર્ગદર્શન હેઠળ કચ્છની વિવિધ ઔષધિઓના રોપાઓનું વન મહોત્સવ નિમિત્તે આ યોજનાના ભાગરૂપે વાવેતર કરવામાં આવ્યું હતું. 1લીથી 7મી જુલાઈ સુધી યોજાયેલા વન મહોત્સવમાં અઠવાડિયા દરમિયાન પાંચ એકર પ્લોટમાં 1250 જેટલી ઔષધિ વનસ્પતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે ડ્રીપ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ વન મહોત્સવમાં આહિંસાધામનાં સી.ઈ.ઓ. ગિરીશભાઈ નાગડા, અદાણી ફાઉન્ડેશનના હેડ પંક્તિબેન શાહ તથા માવજીભાઈ બારૈયા, કરસનભાઈ ગઢવી, સહજીવન સંસ્થાના ડાયરેક્ટર ડો. પંકજભાઈ જોશીના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.  દરમિયાન મુંદરા તાલુકાનાં ઝરપરા ગામની સરકારી હાઈસ્કૂલ અને સ્મશાનભૂમિ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે વન મહોત્સવ દરમિયાન વિવિધ રોપાનું રોપણ સરપંચ મીઠુભાઇના સહકારથી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ટાપરિયા તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિતરહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ પ્રોજેક્ટ ઓફિસર કરસનભાઈ ગઢવી તથા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer