ધાવડા વાડી વિસ્તારમાં પવનચક્કી સામે રોષ

ધાવડા વાડી વિસ્તારમાં પવનચક્કી સામે રોષ
વિથોણ (તા. નખત્રાણા), તા.9 :ધાવડા વાડી વિસ્તારમાં પવનચક્કીવાળા અને ખેડૂતો હવે સામસામે ફરિયાદો કરી હતી. સમાધાન પ્રક્રિયા ભાંગી પડતાં કંપનીવાળા રઘવાયા બનીને ખેડૂતોને બાનમાં લેવાની કોશિશ આદરી હોવાની ફરિયાદ ઊઠી હતી. ખાનગી કંપની દ્વારા ધાવડા સીમમાં ખેતી કરતા વિથોણના ખેડૂત ધનસુખભાઈ પદમાણી અને વસંતભાઈ પદમાણીના ઠામ સર્વે નંબર નવા 51 છે. એના ઉપરથી કંપનીવાળાએ કોઈ પણ જાતની જાણ કર્યા વિના વાયર ખેંચવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને ખેડૂતે અટકાવી હતી અને જમીન ઉપર બોર્ડ લગાડીને કોઈ પણ કાર્ય?ન કરવા જાહેર સૂચનાનું  બોર્ડ માર્યું હતું. જે જમીન ઉપરથી કંપનીવાળાએ વાયર ખેંચવાના છે તે જમીનમાં અત્યારે જુવાર, બાજરી અન્ય પાકોનું વાવેતર થયું છે. જેનાથી ખેડૂત પરિવારનું ગુજરાન ચાલે છે. ખેડૂત દ્વારા વકીલ મારફતે કંપનીવાળાને નોટિસ પણ પાઠવી હતી. જેનાથી રઘવાયેલા કંપનીના કોન્ટ્રાક્ટરે ઊલટા ચોર કોટવાલ કો ડાંટે તેવી રીતે ખેડૂત ઉપર ફરિયાદ કરીને ખેડૂતોને પડયા ઉપર પાટુ માર્યું છે  તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. આ બાબતે કંપનીના કોન્ટ્રાક્ટરો અને ખેડૂતો વચ્ચે સમાધાન બાબતે બેઠક મળી હતી, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર આપવા કોન્ટ્રાક્ટરોએ નનૈયો ભણતાં મામલો વધુ ગરમાયો હતો. આ બાબતની જાણ થતાં સ્થાનિક ખેડૂત સંગઠનોમાં ચળવળ જાગી હતી. કંપનીવાળાની  દાદાગીરીથી હવે ખેડૂતો તંગ આવી ગયા છે અને લડત ચલાવવાના મૂડમાં છે તેવું ખેડૂત અગ્રણી ગંગારામભાઈ પદમાણીએ રોષપૂર્વક જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer