રાપરમાં નિર્માણાધીન છાત્રાલયનું ભૂમિપૂજન

રાપરમાં નિર્માણાધીન છાત્રાલયનું ભૂમિપૂજન
ભુજ, તા.9 : કચ્છના દુર્ગમ વાગડ વિસ્તારમાં શૈક્ષણિક સુવિધાઓ માર્યાદિત છે. રાપર જેવા વિશાળ તાલુકામાં એક જ સાયન્સ ઉ. મા. શાળા,આઈ.ટી.આઈ.અને કોલેજ રાપરમાં હોવાથી અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને પણ રાપર અભ્યાસાર્થે આવવું પડે છે. રાપરમાં સ્થાનિકે સાર્વજનિક છાત્રાલયના અભાવે ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. આ સમસ્યાના સમાધાન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના - કચ્છને ધ્યાનમાં આવતાં છાત્રાલય બનાવવાનો વિચાર પ્રારંભ થયો. જેનું આજે સુરત અને મુંબઈના દાનવીરો દ્વારા ભૂમિપૂજન થયું હતું.  નિર્માણાધીન આ છાત્રાલય અંગે સૌપ્રથમ સુખપર(ભુજ)ના નાનજીભાઈ વિશ્રામભાઈ ગોરસિયા પરિવારને રજૂઆત કરતાં તેમના તરફથી સેવા સાધનાને સવા બે એકર મોકાની અને કિમતી જમીનનું દાન પ્રાપ્ત થયું. ત્યાર બાદ સેવા સાધનાના કાર્યકર્તાઓ સુરત સ્થિત કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ કેશુભાઈ ગોટીનો સંપર્ક કરતાં તેમના નિર્ધાર મુજબ ગુજરાતના અભાવગ્રસ્ત વિસ્તારોમાં સવાસો છાત્રાલય અથવા શાળા બનાવવાની સંકલ્પનાના ભાગરૂપે રાપરના છાત્રાલય માટે અનુમતિ આપી. તેની સાથે પચાસ ટકા દાન અને ત્રીજા છાત્રાવાસના નામકરણના દાતા મૂળ પાલનપુર અને હાલે મુંબઈ સ્થિત જૈન શ્રેષ્ઠી જિતેન્દ્ર કીર્તિલાલ ભણશાલી ટ્રસ્ટ મુંબઈના જિતેન્દ્રભાઈના પરિવાર દ્વારા આ ભવનનું નિર્માણ થશે.આ પ્રસંગે સુરત ટ્રસ્ટના બાંધકામ સમિતિના પ્રમુખ કાર્યકર્તાઓ પરષોત્તમભાઈ બોરડા, વિઠ્ઠલભાઈ અને રોહિતભાઈ સુરતથી ખાસ ભૂમિપૂજન માટે રાપર આવ્યા હતા. સેવા સાધના કચ્છના પ્રમુખ માવજીભાઈ સોરઠિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના સહકાર્યવાહ મહેશભાઈ ઓઝા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યું હતું.  દાતા પરિવાર વતી રાપરના જ ઋષભભાઈ ચરલા સહપરિવાર પૂજા વિધિમાં રહ્યા હતા. સ્થાનિક સમિતિના સભ્યો યોગેશ જોષી, ઉમેશ સોની, હઠુભા સોઢા, નીલેશ પ્રજાપતિ, કેશુભા વાઘેલા, દેવુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, નીલેશ માલી, ધર્મેશ સિયારિયા, શૈલેશ  ખાંડેકા, બાબુ પરમાર,પ્રદ્યુમનાસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ નગર કાર્યવાહ યશભાઈ રાજગોરે કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer