મસ્કામાં જળસંગ્રહનાં કામો થકી પાણીના ટી.ડી.એસ.માં સુધારો થતાં પીવાલાયક બન્યું

મસ્કામાં જળસંગ્રહનાં કામો થકી પાણીના ટી.ડી.એસ.માં સુધારો થતાં પીવાલાયક બન્યું
મસ્કા (તા. માંડવી), તા.9 : આ ગામ દરિયાકિનારાથી માત્ર બે કિ.મી.ના અંતરે આવેલું છે. ભૂતકાળમાં કૂવાઓના મીઠાં પાણીના લીધે ખેતી સારા પ્રમાણમાં થતી હતી, પણ છેલ્લા વીસેક વર્ષથી પાણીમાં ટી.ડી.એસ. 5500 જેટલું વધી જતાં ખેતી પડી ભાંગી છે. પરિણામે ગ્રામજનો, પશુપાલકો, માલધારીઓ, ખેડૂતોને ઘણી સમસ્યાઓ થતી હતી. જેથી મસ્કા ગામે પીવાનાં પાણીની સમસ્યાને પહોંચી વળવા છેક કોડાય નદીમાં બોર કરી પાણી ખેંચી લાવવું પડયું છે. સરપંચ કીર્તિભાઇ ગોરે માહિતી આપતાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી મસ્કા ગ્રામ પંચાયતની સમગ્ર ટીમના અથાક પ્રયાસથી જળસંચયનાં કામો થયાં છે અને છેલ્લા બે વર્ષથી સારા વરસાદના કારણે પાણીનો ખૂબ સંગ્રહ થઇ શક્યો છે જેના પરિણામ સ્વરૂપે ટી.ડી.એસ.માં સુધારો થતાં પાણીની સમસ્યા હલ થઇ શકી છે. આ જળસંચય કામગીરીમાં સરકારની વિવિધ  યોજનાઓ હેઠળ કામ થઇ શક્યાં છે. આ માટે ડી.ડી.ઓ. પ્રભવભાઇ જોષી ઉપરાંત એ.સી.ટી. સંસ્થાના યોગેશભાઇ, શેજીનાબેન, ગિરીશભાઇ, ટાટા-સીજીપીએલના પ્રદીપભાઇ, આસિફભાઇ, ધર્મેશભાઇ, દેવાંગભાઇ ગઢવી (ભાડિયા)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. મસ્કાના ખેડૂત મિત્રો અને યુવાનો દ્વારા એક વર્ષમાં 50,000 સી.એમ. માટીનું ખાણેત્રું કરવામાં આવ્યું હતું. જેની માટી ખેડૂતો પોતાના ખેતરોમાં પોતાની રીતે લઇને ઉપયોગ કર્યો હતો. હાલમાં સારો વરસાદ થતાં ગામના તમામ તળાવો તથા ચેકડેમો બીજીવાર ઓગની જતાં ખેડૂતોમાં હર્ષની લાગણી અનુભવાઇ રહી છે. જળસંગ્રહ માટે કૂવા તથા બંધ પડેલા બોર રિચાર્જ કરવામાં આવ્યા હતા તથા તળાવ માટે રીચાર્જપીઠ બનાવવામાં આવી છે. વિસ્તારમાં ભૂગર્ભજળમાં પણ સુધારો નોંધાયો છે. હજી ગામની નદીના વહેણમાં બે-ત્રણ ચેકડેમો તથા તળાવોનું ખાણેત્રું કરવા માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું સરપંચ શ્રી ગોરે યાદીમાં જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer