ગાંધીધામ-અંજારમાં આડેધડ થતાં પાર્કિંગ સામે પગલાં લેવાની પોલીસને તાકીદ

ગાંધીધામ-અંજારમાં આડેધડ થતાં પાર્કિંગ સામે પગલાં લેવાની પોલીસને તાકીદ
ગાંધીધામ, તા.9 : અંજાર પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિ તથા કાયદો વ્યવસ્થાના મુદ્દે આજે   બેઠક યોજાઈ હતી.જેમાં અંજાર-ગાંધીધામમાં આડેધડ રીતે થતાં વાહન પાર્કિંગ ઉપર તૂટી પડવા સંબંધિતોને તાકીદ કરાઈ હતી.આ ઉપરાંત માર્ગ સલામતી, પીવાનાં પાણી, દબાણો સહિતના મુદ્દા ચર્ચાયા હતા. અંજાર પ્રાંત અધિકારી ડો વી.કે. જોષીની -અધ્યક્ષતા મળેલી બેઠકમાં અંજાર મામલતદાર કચેરી પાસેથી થતાં આડેધડ વાહન પાર્કિંગ મુદ્દે કાર્યવાહી કરવા અંજાર પોલીસને સૂચના અપાઈ હતી. હાલમાં વરસાદની મોસમને ધ્યાને લઈ ભયજનક સ્થિતિએ આવેલા સાઈનેઝીસ બોર્ડ દૂર કરવા, અંજાર અને ગાંધીધામમાં થયેલાં વિવિધ દબાણો અંગે જુદા-જુદા વિભાગોએ પરસ્પર સંકલન સાંધી સરકારી જમીનો ઉપર થયેલાં દબાણો આઈડેન્ટીફાય કરી કાર્યવાહી કરવા, ગાંધીધામ-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર ટ્રક ડ્રાઈવરો દ્વારા બેફામ  રીતે પાર્કિંગ કરાતાં  ટ્રાફિક પ્રશ્નો અને  અકસ્માત થતાં આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ગોઠવી, વાહન ડિટેઈન સહિતની કાર્યવાહી કરવા જણાવાયું હતું, જેના પ્રત્યુત્તરમાં આ બંને તંત્રો દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાતી જ હોવાનુ કહ્યું હતું. ટ્રાન્સપોર્ટનગર પાસે નેશનલ હાઈવે ઉપર થતા પાર્કિંગના પ્રશ્ને પરિવહનકારો સાથે બેકઠ યોજી રેલવેના  ટ્રક પાર્કિંગની જગ્યા વાહન મૂકવા અમલવારી કરાવા ચર્ચા કરાઈ હતી.આ ઉપરાંત અન્ય રાજ્યમાંથી આવતા ભારે વાહનચાલકો જો  આ સૂચનાનું પાલન ન કરે તો  આ માટે વિશેષ ડ્રાઈવ ગોઠવી કાર્યવાહી કરવા કહેવાયું હતું. અંજારના ટપ્પરના ગોપાલનગરમાં પેયજળ મુદ્દે પાણીપુરવઠા વિભાગે કહ્યું હતું કે  લાઈન લીકેજનું કામ  બે દિવસમાં  પૂર્ણ થશે. અંતરજાળના રવેચીનગર અને  કેસરનગરના અમુક મકાનોમાં પીવાનું પાણી પહોંચતું ન હોવા અંગે પાણીનું દબાણ વધારવા અને પૂરતું પાણી આપવા પાણીતંત્રને જણાવાયું હતું. ગાંધીધામના  આરતી ઈન્ટરનેશનલથી  સરદાર વલ્લભાઈ  પટેલ બંગલા સુધીના  રોડ પર વરસાદી પાણીના ભરાવાનો વિષય ચર્ચામાં આવ્યો હતો. જેમાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા તમામ ગટર અને નાળાંની સફાઈ કરવામાં આવી  છે. આરતી ઈન્ટરનેશનલ, બસ સ્ટેશન પાસેનો ચોક  સાફ  કરાતાં અત્રે પાણી  ભરાવાની  સમસ્યા હલ થશે. આ ઉપરાંત   ગાંધીધામ-ભચાઉ  માર્ગે   પડાણા નજીક આવેલું અટકેલું પુલનું કામ ગળપાદર પાસે અટકેલું રસ્તાનું કામ ઝડપભેર પૂર્ણ કરવા નેશનલ હાઈવેને  સૂચના અપાઈ હતી. નેશનલ હાઈવે દ્વારા પડાણા  પુલનું કામ ઓગસ્ટ સુધીમાં અને    ગળપાદરના સર્વિસ રોડનું કામ નજીકના દિવસોમાં પૂર્ણ  થશે. વરસાદી માહોલમાં ડામરનું કામ   શકય  ન હોવાનું આ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer