મુંબઇગરાઓનું નવું સરનામું બને છે કચ્છ

ગિરીશ જોશી દ્વારા-  ભુજ, તા. 9 : મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે ત્યારે ખાસ કરીને મુંબઈમાં રહેતા કચ્છીભાઈઓમાં બીમારીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈ એકલા મહાનગરમાં અંદાજે એક લાખ જેટલા સંક્રમિત થઈ ચૂક્યા છે અને હજુ સુધી પાંચ હજાર લોકોના મોત થયા છે. બીજી બાજુ દર્દીઓની વધતી સંખ્યાને જોતાં મહારાષ્ટ્ર સરકારે 31 જુલાઈ સુધી ફરી લોકડાઉન જાહેર કર્યું છે. તેની વચ્ચે મુંબઈને કર્મભૂમિ બનાવી ચૂકેલા કચ્છીઓ વતન તરફ વળ્યા છે ને પાછલા બે મહિનામાં અંદાજે 50 હજારથી વધુ ભાઈ-બહેનો કચ્છમાં આવી ચૂક્યા છે. તેમાંય અમુક લોકોએ તો જાણે મુંબઈને સાવ અલવિદા કર્યું હોય તેમ પોતાના બાપ-દાદાનો મૂળ ખેતીનો ધંધોય શરૂ કરી દીધો છે. મહામારીનો કહેર કેટલો ખતરનાક છે કે પ્રથમ લોકડાઉન એટલે કે માર્ચ પહેલાં પોતાના ગામ આવેલા અમુક કચ્છીઓ જાણે હવે તો પોતાના વતનમાં જ સ્થાઈ થઈ ગયા હોય તેમ મુંબઈ જવાનું નામ નથી લેતા.આકર્ષણ છે પણ જોખમ નથી લેવું. મુંબઈ એટલે મુંબઈ. મુંબઈમાં રહેનારો પરિવાર અન્ય ક્યાંય રહેવા તૈયાર ન હોય. કારણ કે મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાય છે. પોતાના વતનમાંથી ભૂતકાળમાં મુંબઈની વાટ પકડી ચૂકેલાને મુંબઈએ ઘણું આપ્યું છે. આજે એવા હજારો પરિવાર છે તેઓની આ કર્મભૂમિએ બધું જ આપ્યું છે. પરંતુ જીવનમાં આવા દિવસો જોવા મળશે તેનો વસવસો પણ વ્યક્ત કરતાં કચ્છીઓ કહે છે કે મુંબઇ નગરીએ દેશના તમામ વિસ્તારના લોકોને સાચવ્યા છે. ક્યારેય એક મિનિટ માટે બંધ નથી રહેતું. આ શહેર માર્ચ મહિનાથી જાણે થંભી ગયું છે. સૂનકાર ભાસે છે. શું થશે તેની મોટી ચિંતા સતાવે છે. આવા સંજોગોમાં મુંબઇમાં સ્થાઇ થયેલા જૈન સમાજના ભાઇઓ હોય કે પટેલ, ભાનુશાલી, લોહાણા જ્યારે જરૂર પડે વતન માટે હંમેશાં હાથ લંબાવ્યો છે. મુંબઇમાં કચ્છી જૈન સમાજની વસ્તી અંદાજે દોઢ લાખ છે પણ દરેક ઇચ્છે છે કે કચ્છ ચાલ્યા જઇએ પણ ધંધા-રોજગાર છોડીને જવું કેમ એ સવાલ છે.   કચ્છ યુવક સંઘના પ્રમુખ તરીકે હાલમાં જ વરાયેલા ધીરજભાઇ છેડાને પૂછયું તો તેમણે કહ્યું કે, આવી બીમારીથી બચવા દરેક સલામત સ્થળે જવા માંગે છે એ વાત સાચી છે. જૈન જ્ઞાતિના 24 ગામ વાગડના, 52 ગામ કંઠીપટના અને 42 ગામ અબડાસાના. આ તમામ ગામોના પરિવારો વસે છે. એકબાજુ કોરોના અને બીજીબાજુ અમારા સમાજ માટે ચાતુર્માસ પ્રવેશોત્સવ હોય પરંતુ ખૂબ જ સાદગીથી દરેક સ્થળે મહારાજ સાહેબોના ચાતુર્માસ પ્રવેશ થાય છે એટલે સ્વાભાવિકે અંદાજિત પાંચ હજાર જેટલા લોકો કચ્છમાં પહોંચી ગયા છે. અત્યારે બધા જ કામકાજ માર્ચથી બંધ છે ત્યારે સમાજના આર્થિક નબળા પરિવારોને આવા સમયે મદદ કરવાનું પણ ચાલુ છે. જે લોકો કચ્છમાં પોતાના ગામમાં જતા હોય તો અમારા જ્ઞાતિના દાતા પરિવારના જયવંતીબેન એંકરવાલા પરિવાર તરફથી આર્થિક મદદ કરવામાં પણ આવી રહી હોવાનું જાણવા મળે છે. અખિલ અચલગચ્છ સમાજના ઉપપ્રમુખ ચીમનભાઇ મોતા કહે છે કે કચ્છમાં વાતાવરણ સારું, વિસ્તાર મોટો અને મોટાભાગના પરિવારોના પોતાના ગામોમાં ઘરની સુવિધા હોવાથી આવી સ્થિતિમાં વતનની વાટ પકડી લીધી છે એ વાત સાચી છે. મુંબઇમાં ગીચતા વધુ હોવાથી નિયમો પાળવા કઠિન છે. સંક્રમિત વ્યક્તિથી બચવાનું પણ અઘરું બને છે. ધંધા ભાંગી ગયા છે એટલે વિકલ્પ નથી એટલે કચ્છ આવ્યા છે. આ કોઇ પલાયનવાદ નથી, બીમારીથી બચવાનો પ્રયાસ છે. આ જ હાલત મુંબઇમાં વસતા ભાનુશાલી સમાજની છે. આ જ્ઞાતિમાં તો ચારસો જેટલા પોઝિટિવ કેસ પણ નોંધાઇ ચૂક્યા છે ત્યારે ભાનુશાલી સેવા સમાજના મુંબઇ સ્થિત પ્રમુખ નરેશભાઇ શેઠિયાએ કહ્યું કે સ્થિતિ ખરાબ થતી જાય છે ને કેસ પણ વધતા જાય છે. મુંબઇમાં અમારી વસ્તી અડધો લાખની છે. ડોમ્બીવલી, મુલુંડ, ઘાટકોપર, ભાંડુપ, ભાયખલા, કલ્યાણ, વિક્રોલી, થાણા આ તમામ પરામાં અમારી વસ્તી છે. ને બધે જ કેસ પણ વધુ જ છે. અમારા સમાજની આરોગ્ય ટીમો પણ તૈનાત છે પણ સાચવવું ખૂબ જ જરૂરી છે. એટલે વતનમાં ચાલ્યા ગયા છે. કચ્છમાં આવતા પરિવારોની વ્યવસ્થા સંભાળતા દેશ મહાજનના પ્રમુખ પ્રવીણભાઇ ભાનુશાલીના મતે અમારી જ્ઞાતિના અબડાસામાં 55 ગામ છે. ગામે-ગામમાં અતિથિગૃહ, ભોજનાલય અને વ્યક્તિગત પણ ઘર છે જે આવે છે સરકારના નિયમોનું પાલન કરે છે. કવોરેન્ટાઇન સમય પૂરો થાય તેની કાળજી લેવાય, આવેલાને ભોજન વગેરેની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત ખેતી કરવા માગતા હોય તેવાને બિયારણ ખરીદવા રૂા. 10 હજારની લોન પણ આપવામાં આવે છે. દેશ મહાજન, ઓધવરામ સત્સંગ મંડળ, ભાનુ ગ્રુપ નલિયા, જલધારા ગ્રુપના ચંદ્રકાન્ત ગોગરી, સુરતના લાલજીભાઇ વગેરે મદદે આવ્યા છે અને 10 હજાર રાશનકિટ પણ પહોંચાડી છે. લોકડાઉનથી જ મુંબઇથી આવીને રાતા તળાવ ખાતે રસોડું ચાલુ કરીને આવતા કચ્છી ભાઇઓની મદદ કરતા મનજીભાઇ ભાનુશાલીએ જણાવ્યું કે મુંબઇમાં તો ભયંકર તકલીફ છે દુકાન-ધંધા નોકરી બધું જ બંધ છે પોતાની મૂડી પણ પૂરી થઇ ગઇ હોય તેવા પરિવારો છે. હાલત ખરાબ છે એટલે આપણી ફરજ છે. અહીં રાતા તળાવ ખાતે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓધવરામ સત્સંગ મંડળના તમામ હોદ્દેદારોએ નક્કી કર્યું છે કે અત્યારે આપણા ભાઇઓનો હાથ પકડવાનો સમય છે. આ અવસરને નિભાવીએ ને માનવ સેવામાં કામે લાગી જઇએ.આવી જ પરિસ્થિતિ વાગડના મુંબઇ વસ્તા પટેલ સમાજની છે. વાગડના અગ્રણી અને ધારાસભ્યના પતિ એવા ભચુભાઇ આરેઠિયાએ શરૂઆતમાં જ બે ટ્રેનની કચ્છ માટે વ્યવસ્થા કરી હતી તેમણે દરેક સમાજ માટે ટ્રેન દોડાવી હતી તેમનો સંપર્ક સાધતાં કહ્યું હતું કે વાગડના 72 ગામોના પટેલોની મુંબઇમાં એકાદ લાખની વસ્તી છે અત્યારે 30 હજારની આસપાસ લોકો કચ્છ પહોંચી ગયા છે. અમુક પાછા પણ આવી ગયા છે પણ મુંબઇમાં બધું જ બંધ છે તો કરે શું ? અમારા અખિલ ભારતીય લેવા પાટીદાર સમાજના પ્રમુખ કાનજીભાઇ પટેલ હોય કે લેવા પાટીદાર બોર્ડિંગ ભચાઉની ટીમ તમામ મદદે આવ્યા છે. સંક્રમણનું પ્રમાણ વધતું જાય છે એવા સંજોગોમાં સમય ખૂબ જ કપરો છે. વાગડ અને કચ્છ લોહાણા સમાજની મુંબઇમાં બે લાખની વસ્તી છે અને લોહાણા મહાજનના પરિવારો ડોમ્બીવલીથી દાદર, માટુંગા, કલ્યાણ, બદલાપુર અને સૌથી વધુ મુલુન્ડમાં છે, નવી મુંબઇમાં મોટી સંખ્યા છે તકલીફ તો બધાને છે પણ તેમ છતાં લોહાણા જ્ઞાતિના પાંચેક હજાર લોકો કચ્છમાં આવ્યા હશે તેવો અંદાજ વ્યક્ત કરતા કચ્છી લોહાણા મહાજન મુલુન્ડના ટ્રસ્ટી વસંતભાઇ ચંદેએ જણાવ્યું હતું કે અમે રોકડ સહાયથી માંડી અનાજ વગેરે આપ્યા છે. એક હજાર મસાલા કિટ વિતરીત કરી છે. લોહાણા આગેવાન પુરુષોત્તમભાઇ પૂંજાણીએ કહ્યું કે કેસ વધતા જાય છે એટલે ભયનો માહોલ થતાં વતનમાં જાય સ્વાભાવિક છે. દરેક વિસ્તારોમાં કચ્છી લોહાણા વસે છે અને મહામારી હજુ કાબૂમાં આવવાનું નામ નથી લેતી એટલે ચિંતા છે. બીજી બાજુ મુંબઇ મહાજનના પ્રમુખ રાજનભાઇ ચંદે તથા તેમની ટીમ પણ કામે લાગી છે. કચ્છી સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની અંદાજે પંદર હજારની સંખ્યા મુંબઇમાં છે. મુંબઇ મહાસ્થાનના મેનેજીંગ ટ્રસ્ટી રાહુલભાઇ સેથપારે આ અંગે કહ્યું કે અમારી જ્ઞાતિના એટલા બધા કચ્છ નથી ગયા પણ મુંબઇની હાલત ખરાબ છે એમાં કોઇ બેમત નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer