ગાગોદરમાં જુગાર ક્લબનો પર્દાફાશ : સરપંચ સહિત નવ જણની ધરપકડ

ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના ગાગોદરમાં પોલીસે છાપો મારી જુગારની ક્લબનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ગામના સરપંચ સહિત 9 મોટાં માથાઓની ધરપકડ કરવામાં આવી હતી. જુગારના આ દરોડામાં રોકડા રૂા. 2,80,400 હસ્તગત કરવામાં આવ્યા હતા. ગાગોદરના  ગોકુલધામ વિસ્તારમાં રહેનારો પપ્પુ કલા ભરવાડ નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી તેમને  જુગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. બપોરે આ બાતમી બાદ આડેસર પોલીસે ભચાઉ ડીવાયએસપી પાસેથી વોરન્ટ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાગોદરના ગોકુલધામમાં બાતમીવાળા મકાન પાસે પોલીસ પહોંચી હતી. આ મકાનનો  દરવાજો ખુલ્લો હોવાથી અને એક રૂમમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાનું જણાતાં પોલીસે દોટ મૂકી તમામ લોકોને દબોચી  લીધા હતા.પોલીસની આ કાર્યવાહી દરમ્યાન જુગારધામનો સંચાલક પપ્પુ કલા ભરવાડ (રહે. ગાગોદર), દેવા રાયમલ ભરવાડ (સરપંચ ગાગોદર), દામજી શિવજી ગડા (રહે. ગાગોદર હાલે મુંબઇ), સકતા રાયમલ ભરવાડ (રહે. ગાગોદર), બાબુ ભગુ ભરવાડ (રહે. ગાગોદર), જગુભા ચમનસંગ જાડેજા (રહે. સણવા), નવીન ઇશ્વરલાલ ઠક્કર (રહે. આધોઇ), હરેશ હીરભાઇ આહીર (રહે. સામખિયાળી) અને અરવિંદસિંહ કલુ જાડેજા (રહે. આધોઇ)ની પોલીસે ધરપકડ કરી હતી. જુગારધામમાં પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 2,80,400 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 2,87,900નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer