કચ્છમાં 186 કેસ અને 640 ઉદ્યોગની તપાસ કરી 58 લાખનો દંડ વસૂલાયો

ગાંધીધામ, તા. 9 : જિલ્લાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહકોની બાબત કચેરી દ્વારા તાજેતરમાં જુલાઈ મહિના દરમ્યાન ગ્રાહકોની વિવિધ ફરિયાદોનું નિવારણ કરાયું હતું. આ ઉપરાંત બીજા  ત્રિમાસિક  તબક્કામાં નિયમ ભંગ કરનારા એકમો સામે કાર્યવાહી કરી 58.27 લાખ જેટલી માતબર રકમ સરકારની તિજોરીમાં જમા કરાવી હતી. જિલ્લા અધિકારી વી.કે. પટેલના જણાવ્યા પ્રમાણે એપ્રિલ, મે અને જૂન મહિના દરમ્યાન કચ્છના વિવિધ વિસ્તારોમાં 186 પ્રોસિકયુશન કેસ કરવામાં આવ્યા હતા, આ અન્વયે રૂા. 6,38,650 દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્યત્વે વજન માપ ધારાના ભંગ, વજન કાંટા  ન છપાવી ઓછો જથ્થો આપવો વિગેરેનો સમાવેશ થાય છે. નલિયા  તાલુકાના ડુમરા ખાતે ગ્રાહકોને માપમાં પેટ્રોલ, ડીઝલનો જથ્થો ઓછો અપાતો  હતો. આ પમ્પને સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી.  આ ઉપરાંત પેકેઝડ કોમોડિટી રૂલ્સના ભંગ બદલ પેકિંગ કેરલી વસ્તુના પેકેટ ઉપર જરૂરી સૂચન પ્રદર્શિત  ન કરવું, છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેવા અને પેકિંગ કરતા એકમોએ તોલમાપ ખાતાનું રજિસ્ટ્રેશન ન કરવાના કિસ્સામાં પણ  કાર્યવાહી કરાઈ હતી. જિલ્લાની વિભાગીય કચેરીઓ ખાતે બીજા કવાર્ટર દરમ્યાન તોલમાપના સાધનોની ચકાસણી, મુદ્રાંકન ફી પેટે રૂા. 51,89,155ની આવક થઈ હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું જે ચલણ દ્વારા સરકારની તિજોરીમાં જમા કરાવાઈ હતી. ગાંધીધામમાં જીટીપીએલ  દ્વારા ગ્રાહકેને ઈન્ટરનેટની સર્વિસ યોગ્ય ન આવતી હોવાની ફરિયાદના પગલે કંપનીના જવાબદારોને રૂબરૂ બોલાવી  ફરિયાદનું નિવારણ કરાયું હતું. આ ઉપરાંત જિલ્લાના મીઠાના ઉત્પાદકો, અદાણી વિલમાર કંપની મુંદરા, ગુટકા, મસાલાનું વેચાણ કરતા વેપારીઓ અને શિપિંગ કંપનીના વે-બ્રિજ  સહિતના  640 એકમોની તપાસ કરવામાં આવી હતી. તે પૈકી 61 જેટલા વેપારીઓ સામે નિયમના ભંગ બદલ રૂા. 2.97 લાખની રકમ દંડ પેટે વસૂલવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નિરીક્ષક એસ.જી. ચૌધરી, ડી.ડી. મોદી, જયમીન પ્રજાપતિ, ડી.એ. માતંગ, કુ.એ.એમ. દવે, જિગર નાયક, ચંદુલાલ સોમેશ્વર વિગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer