સિંચાઇનાં ટેન્ડરનાં કામો મને આપજો નહિતર જોઇ લઇશ, ફસાવી દઇશ

ભુજ, તા. 9 : કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઇનાં ટેન્ડરનાં કામો મને આપજો નહિતર જોઇ લઇશ તેવી ધમકી સાથે કચેરીના કાર્યકારી કાર્યપાલક ઇજનેર અને સ્ટાફના સભ્યો સાથે ડારાડફારા અને ધાકધમકી કરવાના મામલે ભુજના ઠેકેદાર સુરેન્દ્રાસિંહ ઉર્ફે સુરુભા જી. ઝાલાસામે ફોજદારી ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગમાં રાપર ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અને હાલે જિલ્લા પંચાયતની સિંચાઇ શાખાનો હવાલો સંભાળતા કાર્યકારી કાર્યપાલક ઇજનેર ચન્દ્રકાંતભાઇ શંકરદાન ગઢવી દ્વારા ગત તા. 20મી જૂનના બપોરે સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમ્યાન કચેરીમાં બનેલી આ ઘટના વિશે આજે ઠેકેદાર ભુજની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા સુરેન્દ્રાસિંહ ઉર્ફે સુરુભા ઝાલા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ભુજ એ-ડિવિઝન પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદને ટાંકીને આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, કેસના ફરિયાદી શ્રી ગઢવી અને સ્ટાફના અન્ય સદસ્યો કચેરીમાં ફરજ ઉપર હાજર હતા તેવા સમયે આરોપી સુરેન્દ્રાસિંહે આવીને બેહૂદું વર્તન કરવા સાથે ઊંચા અવાજે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ધાકધમકી સાથે સિંચાઇ વિભાગના ટેન્ડરનાં કામો મને આપજો નહિતર તમને નોકરી કરવા નહીં દઉં અને તમને જોઇ લઇશ તેવા ડારાડફારા કર્યા હતા. તમારા ઉપર ખોટા કેસ કરાવી દઇશ તેવું જણાવી ભયનું વાતાવરણ સર્જ્યું હોવાનો આરોપ  ફરિયાદમાં મુકાયો છે.  બનાવ બાબતે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અને સ્ટાફના સભ્યોએ સિંચાઇ સમિતિના અધ્યક્ષા ભાવનાબા જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને વાકેફ કર્યા હતા. આ પછી જિલ્લા વિકાસ અધિકારીએ ફોજદારી દાખલ કરવાનું માર્ગદર્શન આપ્યા પછી અંતે આજે આ ગુનો દાખલ કરાવાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer