જિલ્લામાં સિઝનનો ચાલીસ ટકાથી વધુ વરસાદ બે દિવસમાં વરસ્યો

ભુજ, તા. 9 : હવાના હળવાં દબાણની અસર તળે કચ્છના મોટાભાગના વિસ્તારમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે બે દિવસના આ રાઉન્ડમાં જિલ્લામાં સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ વરસવા સાથે સરેરાશ વરસાદની કુલ ટકાવારી 70 ટકાની નજીક પહોંચી છે. બે દિવસના વરસાદી રાઉન્ડ બાદ મેઘવિરામની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે કચ્છમાં 412 મિલીમીટરની કુલ સરેરાશ સામે અત્યાર સુધી 287.60 એટલે કે સિઝનનો 69.81 ટકા વરસાદ પડયો છે. રાજ્યના અન્ય ઝોનની તુલનાએ કચ્છ ઝોનનો વરસાદ સર્વાધિક છે. તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો બે દિવસના સમયગાળામાં માંડવી અને મુંદરામાં 65 ટકા, ભચાઉમાં 41 ટકા, અંજારમાં 40 ટકા, ગાંધીધામ 34 ટકા,  નખત્રાણામાં 40 ટકા, ભુજમાં 31 ટકા,  રાપરમાં 22 ટકા, લખપતમાં 34 ટકા અને અબડાસામાં 28 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. 624 મિ.મી. સાથે જિલ્લામાં સૌથી વધુ 146.47 ટકા વરસાદ માંડવીમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે, તો 90.85 ટકા સાથે મુંદરા બીજા નંબરે છે. ત્રીજા નંબરે નખત્રાણામાં 70.90 ટકા, ચોથા નંબરે અંજારમાં 63.15, પાંચમા નંબરે ભુજમાં 62.56 ટકા, છઠ્ઠા નંબરે રાપરમાં 60.12 ટકા, સાતમા નંબરે ગાંધીધામમાં 55.61, આઠમા નંબરે ભચાઉમાં 49.77 ટકા, નવમા નંબરે અબડાસામાં 49.33 અને દસમા નંબર સાથે સૌથી ઓછો 37.12 ટકા વરસાદ લખપત તાલુકામાં પડયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે અને આરંભિક સમયમાં જ 70 ટકા જેટલો વરસાદ વરસી જતાં  જો ચોમાસાને લઇ સ્થિતિ આશા મુજબ સાનુકૂળ રહી અને પાછોતરો વરસાદ ખેંચાવાની સ્થિતિ ન સર્જાય તો આ વખતે કચ્છમાં સરેરાશ વરસાદ નવા રેકોર્ડ બ્રેક કરે તેવી  શક્યતાને નકારાતી નથી. મહત્ત્વની બાબત એ છે કે, લખપત અને ભચાઉ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 12 ટકાથી પણ ઓછો હતો, જે આ બે દિવસના વરસાદી રાઉન્ડમાં નોંધનીય રીતે વધી ગયો છે. હવે જિલ્લાનો એક તાલુકો 100 ટકા, તો બે તાલુકામાં સરેરાશ વરસાદનો આંક 50 ટકાને પાર થવામાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer