કોઠારામાં પી.જી.વી.સી.એલ.ના ફીડર અલગ કરવાની માગણી

કોઠારા (તા. અબડાસા), તા. 9 : અહીંના યુવા ગ્રુપ દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરી કોઠારા ખાતે આવેદનપત્ર આપી કોઠારા જે.જી.વાય. ફીડરને કોઠારા ગામથી અલગ કરી આપવા માટે માગણી કરી હતી. કોઠારા જે.જી.વાય. ફીડર હેઠળ ખીરસરા (કો.), ભાનાડા, નોડેવાંઢ વગેરે ગામડાં આવેલાં છે. આ લાઇનની લંબાઇ આશરે 15 કિ..મી. જેટલી છે તેમજ લાઇન જ્યાંથી પસાર થાય છે તેની નીચે ઝાડ તથા જંગલી બાવળની ઝાડીઓ છે. જેના કારણે કોઠારા ફીડરમાં અવારનવાર ફોલ્ટ થાય છે. ચોમાસું કે વધારે ઝાકળની મોસમ હોય ત્યારે આ ફીડરના વાયરો ઝાડીના સંપર્કમાં આવતાં ફીડરમાં વિક્ષેપ થાય છે અને વીજપુરવઠો ચાલુ કરતાં પાંચથી છ?કલાક લાગી જાય છે. જેથી કોઠારા ગામના લોકોને મુશ્કેલી પડે છે. કોઠારા-માનપુરા ટ્રાન્સફોર્મર તળાવના પાણીની જાવકમાં આવેલું છે. ગયા વરસે પણ તળાવો ઓવરફ્લો થતાં માનપુરા પાસેનું ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થઇ?ગયું હોવાથી બે દિવસ સુધી કોઠારા ગામમાં વીજપુરવઠો બંધ રહ્યો હતો. જેથી આ ટ્રાન્સફોર્મરનું પણ સ્થળ બદલાવી આપવામાં આવે તેવી ગામલોકોની માગણી છે. કોઠારા ગામમાં અંદાજિત બે હજાર ઉપર લાઇટિંગ તથા ત્રણ ફેઇઝ વીજ જોડાણો આવેલા છે. ખાસ કરીને પાણી પુરવઠાને વીજપ્રવાહ ન મળતાં પાણીના વિતરણમાં પણ વિક્ષેપ થાય છે. ગામમાં સરકારી દવાખાનું તેમજ ખાનગી દવાખાના જેમાં સર્પના ઇન્જેક્શન, પોલિયોની રસી કે અન્ય દવાઓ તેમજ લેબોરેટરી, એક્સ-રે મશીન, ઇ.સી.જી.ના મશીન છે તે રીતે પણ બહુ તકલીફ પડે છે. કોઠારા ગામ મોટું હોઇ આજુબાજુના ગામડાની જનતાને મેડિકલ સારવાર માટે પણ કોઠારા આવવું પડે છે. આવા મુદ્દાઓને ધ્યાનમાં લઇ કોઠારા યુવા ગ્રુપના સભ્યો તેમજ ગામલોકોએ મળીને કોઠારાના નાયબ ઇજનેર સી. કે. સોઢાને આવેદનપત્ર આપ્યું હતું. હેમુભા સોઢા, વિરેન સોની, મહેન્દ્રસિંહ જાડેજા, વિનય રાવલ, સૈયદ હમજા બાવા, ફારૂક સોતા, વાઘજી ધલ, અરવિંદ બળિયા, હિંમતસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer