આમઆદમી પાર્ટી અબડાસાના પેટાચૂંટણી જંગમાં ઝંપલાવશે

ભુજ, તા. 9 : સત્તાની સાઠગાંઠથી કંટાળેલી કચ્છ-ગુજરાતની પ્રજા માટે આમઆદમી પાર્ટી સબળ વિકલ્પ બનશે તેવો આશાવાદ ભુજ ખાતે પક્ષ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં વ્યક્ત કરી અબડાસાની પેટાચૂંટણીમાં વિજયના વિશ્વાસ સાથે ઝંપલાવવાનો નિર્ણય કર્યાનું પક્ષના પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું.પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી દેસાઈએ કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસની આપસી હુંસાતુંસી અને સાઠગાંઠભરી નીતિના કારણે પેટાચૂંટણી પક્ષ પર થોપી બેસાડાઈ છે ત્યારે આમઆદમી પાર્ટીએ અબડાસા સહિતની તમામ બેઠકની પેટાચૂંટણી લડવાનો નિર્ણય કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.અત્યાર સુધી પક્ષ માટે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો વિકલ્પ ન હતો, પણ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળ સરકારે કરેલા કામોની કચ્છ-ગુજરાતની પ્રજામાં આશાવાદ જાગ્યો છે.અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ઝંપલાવવા હેતુ પક્ષે નખત્રાણા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં સંગઠન માળખાની સમીક્ષા કરી તાલુકા સ્તરે જે જવાબદાર પદાધિકારીઓની નિમણૂક બાકી છે તે જલ્દીથી આટોપી લેવા સૂચના અપાઈ હતી.અબડાસા બેઠક પર સ્થાનિક ઉમેદવારને ઉતારવાનો નિર્ધાર વ્યક્ત કરી 4થી પ સંભવિતોના દાવા પણ મળ્યા હોવાનું જણાવ્યું હતું.કચ્છ તેના ભાગના નર્મદાના પાણી મળવાની વાત હોય કે પછી અધધધ રેવન્યુ અહીંથી સરકારને મળતી હોવા છતાં આ સરહદી જિલ્લાને સર્વાધિક અન્યાય થાય છે તેમ કહી અબડાસા વિધાનસભા તળે આવતા ત્રણ તાલુકાને વેસાળર નર્મદા નીર પહોંચે તેવા એજન્ડા સાથે અબડાસા બેઠકમાં આ સહિતના મુદ્દા આગળ ધરી ચૂંટણી પ્રચારમાં ઉઠાવાશે.પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, આમઆદમી પાર્ટીએ સારી આશા જન્માવી છે ત્યારે ન માત્ર આ પેટાચૂંટણી બલકે નજીકના સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટી વિજયનો ડંકો વગાડવાના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવાની છે.પત્રકાર પરિષદમાં પ્રદેશ સંગઠનમંત્રી મનોજ સોરઠિયા, પશ્ચિમ કચ્છ પ્રભારી યોગેશ પોકાર, જિલ્લા પ્રમુખ દત્તેશ ભાવસાર, સંગઠનમંત્રી રમેશભાઈ, અજિતભાઈ, મનોજભાઈ, ગિરિરાજસિંહ જાડેજા સહિતે ચર્ચામાં ભાગ લઈ પૂરક વિગતો આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer