નર્મદા કેનાલના કામોના મુદ્દે વિવિધ મથકોએ રજૂઆત કરતો કિસાન સંઘ

ભુજ, તા. 9 : કચ્છમાં માંજુવાસથી ટપ્પર નર્મદા કેનાલના નિરીક્ષણ દરમ્યાન કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે,તેની યોગ્ય તપાસ કરવા મામલતદારને આવેદનપત્ર આપીને તેમ કચ્છ ભારતીય કિસાન સંઘે માંગ કરી છે. કિસાન સંઘ દ્વારા વિવિધ તાલુકા મથકે રજૂઆત કરાવી સંઘના પ્રમુખ કાનજીભાઇ ગાગલે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રૂબરૂ નિરીક્ષણ દરમ્યાન અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. કથિત ભ્રષ્ટાચારના લીધે કેનાલની સ્થિતિ જર્જરિત છે. જવાબદાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવી જોઇએ. કચ્છ નહેરમાંથી નીકળતી ગાગોદર, વાંઢિયા અને દુધઇ પેટા નહેરમાં આવતી અડચણો દૂર કરીને ખેતર સુધી પાણી પહોંચાડવું જેઇએ. નિયમિત પાણી માટે મુખ્ય અને પેટા કેનાલના કામ બાકી છે તે તથા વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી કચ્છ સુધી પહોંચે તે માટે કલેકટરના અધ્યક્ષસ્થાને નર્મદા નિગમના તમામ અધિકારીઓ અને ભા.કિ. સંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક યોજો. આ ઉપરાંત યુરિયા ખાતર અને બિયારણની તંગી નિવારવા માંગ કરાઇ છે. આ ઉપરાંત શાકભાજીના વેપારમાં દલાલો દ્વારા ખેડૂતોનું શોષણ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, દૂધના પાવડરની આયાત બંધ કરવા સહિતના મુદ્દે રજૂઆત કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer