લખપત તા.ની ગાયો માટે ભુજ લોહાણા મહાજન વહારે આવતાં રાહત

દયાપર (તા. લખપત), તા. 9 : કોરોના વાયરસની મહામારી વચ્ચે હાલમાં જ્યારે વરસાદ પડે તે પહેલાં એક મહિનો ઘાસચારાની તીવ્ર ખેંચ આવતાં છેવાડાના લખપત તાલુકાના માલધારીઓ મુંઝાયા છે. જે પાંજરાપોળ છે તેને તો સરકારે સબસિડી ચાલુ કરી દીધી પણ છૂટક 50થી 100 ગાયો જેમની પાસે છે તે પશુપાલકોનું શું ?કોરોના વચ્ચે અછત કે ઘાસચારાનો પ્રશ્ન કોઇએ કર્યો નહીં ત્યારે આ માલધારીઓ અભણ હોતાં ક્યાં રજૂઆત કરવી વિગેરે મૂંઝવણ વચ્ચે ભુજ વસતા ધ્યાની સ્વામીના ભક્ત મનુભાઇ?મીરાણી પાસે સમસ્યા રજૂ કરી અને મનુભાઇ તથા તેમના સહયોગીઓ હિંમતભાઇ, કાંતિભાઇ, અન્ય ગૌપ્રેમીએ આ સમસ્યા હલ કરવા નિશ્ચય કર્યો હતો. ગૌસેવાનું વરસોથી કાર્ય સંભાળતા દીપકભાઇ રેલોને માહિતી આપતાં કહ્યું હતું કે, આ ગૌપ્રેમી ભુજ લોહાણા મહાજનનો સંપર્ક કર્યો. મહાજન પ્રમુખ કિરણભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ નવીનભાઇ?આઇયા, કારોબારીના સભ્યોએ આ સેવાકાર્ય હાથમાં લીધું અને રવાપરથી લઇ છેક નારાયણ સરોવર સુધીની 29 જગ્યાઓમાં 8000 જેટલી ગાયોને એક મહિના સુધી એકાંતરે ઘાસચારાનું નીરણ કરાવ્યું. વરસાદ પડે તેની રાહ જોતી ગૌમાતાઓનો છેલ્લો મહિનો કપરો હતો. વરસાદનું કંઇ નક્કી ન હતું ત્યારે આ દાતાઓની સેવાથી લખપત તાલુકાના માલધારી પશુપાલકોએ હૃદયની લાગણીથી આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમોને સમયસર જો આ સહાય ન મળી હોત તો ગાયો માટે કપરો સમય આવત. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer