ડીપીટીમાં કાર્યરત યુવતી અચાનક ફસડાઇ પડતાં થઇ પડી દોડાદોડ

ગાંધીધામ, તા.9 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં કાર્યરત મેનેજમેન્ટ ટ્રેઇની એવી એક યુવતી આજે ચાલુ કરીએ અચાનક ફસડાઇ પડતાં ભારે દોડાદોડ થઇ પડી હતી. નજરે જોનારાઓના કહેવા મુજબ કામના ભારણ, અધિકારીઓ દ્વારા થતાં શોષણ વગેરેને લઇને તાલીમી યુવતીઓ સાથે થતી અસભ્ય વર્તણૂકનો આ ત્રીજો કિસ્સો બહાર આવ્યો છે. એકાઉન્ટ વિભાગમાં  કામ કરતી આ યુવતી શહેરના રાજકીય વગ ધરાવતા પરિવાર સાથે જોડાયેલી છે. અધિકારીની ચેમ્બરમાંથી આજે બહાર આવ્યા પછી આ યુવતી ભાંગી પડી હતી અને કેટલાક સાથી કર્મચારી મહિલા પ્રસાધનમાં લઇ ગયા ત્યાં તે ફસડાઇ પડી હતી.અન્ય મહિલા કર્મચારીઓએ સત્વરે સારવાર અર્થે યુવતીને ગોપાલપુરી કેપીટી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેણીની હાલત સુધારા ઉપર હોવાનું જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું. ડીપીટી પ્રશાસનમાં મેનેજમેન્ટ ટ્રેઇની સાથે થતી વર્તણૂકને લઇને હજુ બે દિવસ પહેલાં ગોપાલપુરી હોસ્પિટલ સ્ટાફમાં કાર્યરત યુવતીનું અચાનક મૃત્યુ થયું હતું. એથી અગાઉ પેન્શન વિભાગમાં પણ તે વિભાગના અધિકારી દ્વારા યુવતીને  અપમાનિત કરાઇ હતી.આમ ડીપીટીમાં  હંગામી કે તાલીમીની કર્મચારીઓ ઉપર કરાતી દાદાગીરી, શોષણ વગેરેનું પ્રમાણ ખૂબ વધી ગયું હોવાનું ખુદ કર્મચારી સૂત્રોએ કબૂલ્યું હતું. થોડા સમયમાં  જ આ ત્રીજો બનાવ બનતાં આજે પ્રશાસનિક ભવનમાં કર્મચારીઓ ટોળે વળ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer