ભુજમાં યુવાનને ફિલ્મીઢબે કારની ડિકીમાં નાખીને ઉઠાવી જઇ મોથાળા પેટ્રોલપંપે બેભાન ફેંકી અવાયો

ભુજ, તા. 9 : શહેરમાં અબડાસાનાં મોથાળા ગામના વતની યુવાન ફારૂક ઓસમાણ નોડે (ઉ.વ. 23)ને ફિલ્મીઢબે હાથપગ બાંધી કારની ડિકીમાં ઉઠાવી જઇને માર મારવા સાથે છેક મોથાળા ગામના પેટ્રોલપંપ પાસે ફેંકી અવાયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. તો બીજી બાજુ ભુજમાં જ અંજારની યુવતીને તેના ઘરે અંજાર તેડી જવાના મુદ્દે થયેલી મારામારીમાં અંજારના જગદીશ ખમુ કોળી (ઉ.વ. 25) અને રમીલાબેન જગદીશ કોળી (ઉ.વ. 20) તથા સામા પક્ષના ભુજના રમીલાબેન ઇબ્રાહીમ કોળી (ઉ.વ. 22) જખ્મી થયા હતા.પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર મોથાળાનો વતની યુવાન ફારૂક નોડે ગઇકાલે ભુજમાં જયનગર વિસ્તારમાં ઇન્દુભા જાડેજાના વાડા ઉપર ગાયો દોહવા માટેનું કામ કરી રહ્યો હતો ત્યારે સવારે સાડા અગિયારેક વાગ્યે સુખપર ગામના સુનીલ ગોસ્વામીએ તેના અપહરણ સહિતની ફિલ્મીઢબની હરકતને અંજામ આપ્યો હતો.સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ફારૂકે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ અગાઉના ઝઘડાના મનદુ:ખ અન્વયે આ સમગ્ર ઘટના બની હતી. કાર લઇને વાડા ખાતે આવેલા સુનીલ ગોસ્વામીએ તેને માર માર્યો હતો અને તેના હાથપગ બાંધી દઇને તેને કારની ડિકીમાં નાખી ઉઠાવી ગયો હતો. આ પછી મોથાળા ગામના પેટ્રોલપંપ પાસે ફારૂકને બેભાન હાલતમાં ફેંકી જવાયો હતો. ફારૂકને તેના પિતા ઓસમાણ સુલેમાને દવાખાને ખસેડયો હતો. એ- ડિવિઝન પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.બીજી બાજુ ભુજમાં જૂના રેલવે સ્ટેશન પાસે મહેંદી કોલોની ખાતે ગતરાત્રે બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. આ કિસ્સામાં ઘાયલ થયેલા એક પક્ષના જગદીશ કોળી અને તેના પત્ની રમીલાબેન તથા સામા જૂથના રમીલાબેન ઇબ્રાહીમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભુજમાં મહેંદી કોલોનીમાં રહેતી યુવતી જયશ્રી રાજેશ કોળીને અંજાર તેડી જવા માટે તેના ભાઇ જગદીશ અને ભાભી રમીલાબેન ભુજ આવ્યા બાદ આ મુદ્દે આ ડખો થયો હતો. બનાવ બાબતે સામસામી પોલીસ ફરિયાદ લખાવાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer