પોલીસ બંદોબસ્ત છતાં ગાંધીધામ પાલિકાના કર્મચારીને માર મરાયો

ગાંધીધામ, તા.9 : શહેરનાં સેકટર-4 અને પાંચ વચ્ચે ભરાતી શનિ બજાર બંધ કરાવવા પ્રાંત અધિકારીએ આદેશ આપતાં પાલિકાના કર્મીઓ આ બજાર બંધ કરાવવા ગયા હતા. દરમ્યાન એક શખ્સે પાલિકાના એક કર્મચારીને માર મારતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. કોરોના વાયરસના સંક્રમણને પગલે શહેરનાં સુંદરપુરી પાણીના ટાંકા પાસે, 400 કવાર્ટર, ગણેશનગર, સેકટર-4-5 વચ્ચે ભરાતી શનિ બજાર હાલમાં બંધ રાખવા અંજાર પ્રાંત અધિકારીએ આદેશ આપ્યો હતો. જેના પગલે નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ગત તા. 4-7ના પોલીસ બંદોબસ્ત સાથે શનિ બજાર બંધ કરાવવા ત્યાં ગયા હતા. અહીં સેકટર-5ના પ્લોટ નંબર 101 પાસે રિક્ષા નંબર જી.જે. 6-યુ.યુ. 3462નો ચાલક દીપક લાલજી દેવીપૂજક ઊભો હતો. તેને પાલિકાના બેલદાર-ચોકીદાર એવા આ બનાવના ફરિયાદી મગન રાયશી મહેશ્વરી (ગડણ)એ અહીં સામાન ન ઉતારવા અને પાથરણું ન મૂકવા કહ્યું હતું. આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને આધેડ વયના ફરિયાદીને ગાળો આપી તેમને ધકબુશટનો માર માર્યો હતો. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારીએ ગત તા. 4-7નાં જ પોલીસને લેખિતમાં જાણ કરી ફરિયાદ નોંધવા કહ્યું હતું. પરંતુ પોલીસે કોઇ દબાણવશ આ બનાવની ફરિયાદ આજે માંડ માંડ પોલીસના ચોપડે લીધી હતી. આ વિસ્તારમાં પોલીસે લગાડેલા સીસી ટીવી કેમેરામાં આ બનાવ ઝડપાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પોલીસે આજે ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer