ગાયોની દોહાઇ માટે ઘરેથી નીકળેલો ડુમરાનો શખ્સ મૃત હાલતમાં મળ્યો

ભુજ, તા. 9 : ગાયોની દોહાઇના કામ માટે ઘરેથી નીકળેલા અબડાસાના ડુમરા ગામના 40 વર્ષની વયના હંસરાજ બચુભાઇ મહેશ્વરીનો મૃતદેહ ડુમરા-લઠેડી માર્ગ ઉપર સ્મશાન પાસેના વોકળાના ખાડામાંથી મળી આવતાં પોલીસે અકસ્માત મોત નોંધી આગળની છાનબીન હાથ ધરી છે. બહાર આવેલી વિગતો અનુસાર બે દિવસ પહેલાં મંગળવારે સાંજે હતભાગી હંસરાજ મહેશ્વરી તેના ઘરેથી ગાયોની દોહાઇ માટે નીકળ્યો હતો. આ પછી તે પરત ફર્યો ન હતો. દરમ્યાન શોધખોળ વચ્ચે આજે બપોરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ બનાવની જાણ થતાં પોલીસે સ્થાનિકે ધસી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી માટે દવાખાને મોકલી આપ્યો હતો. મરનારનું મૃત્યુ કયા કારણે થયું તે તબીબી અભિપ્રાય બાદ સ્પષ્ટ થશે. હાલતુરત અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે.  ગામની ભાગોળે લઠેડી માર્ગ ઉપર સ્મશાન પાસે વોકળાના ખાડા સુધી આ હતભાગી કઇ રીતે પહોંચ્યો તેના સહિતની કડીઓ પોલીસ મેળવવા માટે પ્રવૃત્ત બની છે. સબ ઇન્સ્પેકટર શ્રી જાડેજાએ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer