કેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું

કેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું
અદ્વૈત અજાંરિયા દ્વારા-  ગાંધીધામ, તા.8 :માલ અને સેવા કર (જીએસટી)ને ત્રણ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે ખાસ તો હાલના કોરોના વાયરસ સંક્રમણના પગલે લોકડાઉન જેવા કપરા સમયમાં પણ કેન્દ્રીય જીએસટી કચ્છમાં 200 કરોડે પહોંચી જતાં દેશના વિકાસમાં આ સીમાવર્તી જિલ્લાએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સીજીએસટી કમિશનર પ્રમોદ વસાવેના જણાવ્યા પ્રમાણે જૂન મહિનામાં કચ્છે 21.23 ટકા જેટલો વધુ જીએસટી આપ્યો છે. જૂન સુધીમાં કચ્છ કમિશનરેટ દ્વારા 344 કરોડની આવક એકત્ર કરી છે. જે ગત વર્ષની તુલનામાં 27 ટકા ઓછી છે, પરંતુ જૂન 2020માં 200 કરોડ એકત્ર થયા જે ગયાં વર્ષની સરખામણીએ 21 ટકા વધારે છે. એક તરફ જ્યારે કોવિડ-19ની મહામારીએ ભારતના અર્થતંત્ર સામે મોટો પડકાર ઊભો કર્યો છે ત્યારે બીજી તરફ આપણે સામાજિક અંતર, હાથ સેનિટાઇઝ કરવા, માસ્ક પહેરવા જેવા સામૂહિક પ્રયાસો થકી તેને ચોક્કસ નિવારી શકીશું તેવી આશા શ્રી વસાવેએ વ્યક્ત કરી હતી. સીજીએસટીના ત્રણ વર્ષના આંકડા જોઇએ તો કચ્છમાં વર્ષ 2017-18માં કુલ્લે રૂા. 980.64 કરોડની, વર્ષ 2018-19માં 1645.29 કરોડની અને વર્ષ 2019-20માં 1731.31 કરોડની આવક થઇ હતી. જે સતત વધારો સૂચવે છે. ચાલુ વર્ષ 2020-21માં એપ્રિલ મહિને ગત વર્ષ કરતાં આવક ઘટી હતી. 157.71 કરોડ સામે ચાલુ વર્ષે 33.83 કરોડની આવક નોંધાઇ હતી. મે મહિને આ આંક 104.59 કરોડ થયો હતો. જ્યારે જૂનમાં 200.41 કરોડ આવક નોંધાઇ છે. સરકારે આપેલી રાહત યોજના તળે કચ્છ કમિશનરેટે 364 અરજીઓનો નિકાલ લાવીને 46 કરોડની આવક ઊભી કરી છે. આ ઉપરાંત જીએસટી કમિશનરેટ દ્વારા ટિવટર હેન્ડલ શરૂ કરાયું છે. ઉદ્યોગ-વ્યાપાર જગતને વધુ સહયોગી બનવા એક વેબસાઇટ પણ કાર્યરત છે. સ્વાસ્થ્ય એ જ સંપત્તિ એ સૂત્રને અપનાવતાં કમિશનરેટ ખાતે કર્મચારી-અધિકારીઓ માટે શ્રી વસાવેના નેતૃત્વમાં એક જીમનું પણ નિર્માણ કરાયું છે. જ્યાં તમામ અધિકારીઓ માનસિક તથા શારીરિક રીતે સક્ષમ બની શકે છે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer