માંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ

માંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ
માંડવી, તા. 8 : દાયકાના પ્રથમ ચરણમાં રાજ્યભરમાં મોખરે રહેલા આ બંદરીય પંથકમાં છવીસ ઈંચ વરસાવ્યા પછી મેઘરાજાએ આજે વિરામ લેતાં હાશકારો થયો છે. સૂરજદેવના ડોકિયા વચ્ચે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમે તકેદારીનાં પગલાંની જાતતપાસ અર્થે નીચાણવાળા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ આકલન કર્યું હતું. વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનાં ધોવાણ, પાણી ભરાવા જેવી ઘટનાઓ તંત્રમાંથી જાણવા મળી હતી. રૂકમાવતી પુલની સમાંતરે કોઝવે તરીકે જાણીતા ડાયવર્ઝનને નોંધપાત્ર જફા પહોંચતાં ભારે માલવાહકો (ટ્રકો)ને વૈકલ્પિક માર્ગેથી ડાયવર્ટ કરવાનાં પગલાં લેવાયાં હતાં. પૂર રાહતનો હવાલો સંભાળતા  પુરવઠા નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલે આપેલી જાણકારી પ્રમાણે ભાડિયા પાસે નદી પરના પુલની આડસને લીધે પાણી ભરાવો થતાં છેવાડેથી રસ્તો તોડીને વહેણ આસાન કરાયું હતું. લુડવા પાસેનો નાનો ચેકડેમ સાઈડે ધોવાતાં ખેતરોમાં પાણી ઘુસ્યાં હતાં. જામથડા વિસ્તારમાં પણ પાણીએ પડકાર ખડો કર્યો હતો. શહેરમાં મેઘમંગલ સોસાયટી, બાબાવાડી, રામેશ્વર ઝૂંપડપટ્ટી, નવી મારવાડા વસાહત, પોલીસ ક્વાર્ટર, સરકારી ગોડાઉન પરિસર, સલાયાનો નીચાણ વિસ્તાર વગેરે વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થાનિક તંત્ર ધંધે લાગ્યું હતું. નસીબ યોગે જળદેવતાએ ખમૈયા કરતાં રાહતનો દમ લેવાયો હતો. નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ વગેરેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમ્યાન આજે પ્રમાણમાં ઉઘાડ વચ્ચે એન.ડી.આર.એફ.ની 20 જણની ટીમે ઈન્સ્પેક્ટર શ્રી ત્રિપાઠીની આગેવાનીમાં બચાવ ટુકડીએ શહેરી વિસ્તારો સહિત મોઢવા, ભારાપર સહિત નીચાણવાળા પંથકમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. મામલતદાર શ્રી ડાંગી સાથે તકેદારી અંગે ચર્ચા કરી હતી. સર્કલ ઓફિસર શ્રી દેસાઈ, પાલિકાના ઓ.એસ. કાનજીભાઈ શિરોખા વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer