કચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા

કચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા
ગાંધીધામ, તા. 8 :આ સરહદી જિલ્લામાં કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યાએ બેવડી સદી  ફટકાર્યા બાદ પૂર્વ કચ્છમાં અંજારના ન્યાયાધીશ, રાપરના આરોપી સહિતના વધુ 10 કેસ બહાર  આવતાં આંક 220  ઉપર પહોંચ્યો હતો તો બીજી બાજુ પાંચ લોકોએ કોરોનાને મહાત આપી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંજારની અદાલતના ન્યાયાધીશ અને મધુબન  પાર્કમાં  રહેતા વી.કે. બંસલના  કોરોના પરીક્ષણ સંદર્ભે સોમવારે નમુનો લેવાયો હતો. જેમાં  તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ  કોરોનાથી  સંક્રમિત  થયેલા ન્યાયાધીશ શ્રી ચૌધરીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હશે. તેમણે તાવ અને કફના લક્ષણો  જણાતાં પોતાના ઘરમાં જ સેલ્ફ કવોરેન્ટાઈન થયા હતા જેથી તેમના સીધા સંપર્કમાં કોઈ આવ્યું ન હોવાનુ આરોગ્ય તંત્રે કહયું હતું. દરમ્યાન, આજે મોડી સાંજે ભુજ શહેરના આઇયાનગર વિસ્તારમાં 11-બી ઓધવ વીલામાં રહેતા 40 વર્ષીય યુવાન સૌમિલ ત્રિલોકભાઇ શુક્લને તબિયત બગડતાં શંકા લાગતાં તેમણે અમદાવાદ ખાતે  ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતાં કોરોના પોઝિટિવ  આવ્યો હતો. આ યુવક અંજારની કોર્ટમાં નોકરી કરતો હોવાથી અંજારના ન્યાયાધીશના સંપર્કમાં આવ્યો હોવાથી સંક્રમણનો ભોગ બન્યો હશે તેવું જાણવા મળ્યું હતું. વાગડ પંથકના રાપર પોલીસ મથકમાં દારૂના ગુનામાં આવેલા આરોપી ગાંગજીભાઈ ખેતશીભાઈ સુથાર (ઉ.42) તથા ભગુભા જીણુભા વાધેલા (ઉ.32), એટ્રોસીટીના ગુનાના આરોપી  લક્ષ્મીબેન વેરશીભાઈ કોળી (ઉ.50) તથા બાલાસર પોલીસમાં જાટાવાડાના મારામારી પ્રકરણમાં હત્યાની કોશિશના ગુનાના આરોપી  સુરા મહાદેવા રાજપૂત (ઉ.56)  કોરોનામાં સપડાયા  હતા. આરોપીઓના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓને એકાંતવાસમાં  મૂકવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાપરના એકતાનગરમાં  રહેતા દિલીપભાઈ નાનાલાલ ઠકકર (ઉ.33), ભચાઉ તાલુકાના મેઘપરના  ધનજીભાઈ નાથીયાણી (ઉ.62) મુન્દ્રા તાલુકા પત્રી યાદવનગરમાં રહેતા  સચીન ગોવિંદ મરંડ (ઉ.22), ગાંધીધામના સુંદરપુરીના ધોબીઘાટના દમયંતીબેન મદનભાઈ બારીયા (ઉ.48) કોરોનાની  ઝપેટમાં આવ્યાં  હતાં.  અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા અને આદિપુરના 20 ટી.આર.એસ  4-એ વિસ્તારમાં રહેતા અજયસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને તાવ જણાતાં તેમનો નમૂનો લેવાયો હતો. જેમાં તેમને કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું. તો બીજી બાજુએ મુન્દ્રા  એલાયન્સ  હોસ્પિટલમાંથી  આજે મુન્દ્રાના નાના કપાયાના  ખેતબાઈ માવજી સોધમ (ઉ.42), ધ્રબ વાડીના દક્ષાબેન ઠાકરજી વાલજી (ઉ.31), ગોવાના લોબો હેરીલોન (ઉ.38), પૂર્વ કચ્છના હરિઓમ હોસ્પિટલમાંથી  વડોદરાના ડો. અનુપમા દિવાકર શર્મા (ઉ.44), દક્ષ કલ્પેશભાઈ ત્રિવેદી (ઉ.12)એ કોરાનાને મહાત આપતાં તેમને રજા અપાઈ હતી. આજની સ્થિતિએ 80 એકટીવ કેસો છે. કોરોનાથી શિકાર થયેલાનો   આંક 220 ઉપર પહોંચ્યો હતો. તેમાંથી  અત્યાર સુધી  131 લોકો સાજા થયા હોવાનું એક યાદીમાં જણાવાયું હતું. બીજીબાજુ આજે પાંચ જણને રજા આપવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer