ભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું

ભાડિયામાં નદીના  વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 8 : ગત સમીસાંજથી મોડી રાત્રિ સુધી પડેલા ભારે વરસાદના કારણે નાના ભાડિયા ગામે આવેલા પુલ નીચે પાણીના વહનની ક્ષમતા ઓછી હોવાના કારણે ગાંડીતૂર બનેલી લોકમાતા પૂરજોશમાં વહેવા લાગતાં અને પાણીના નિકાલની માત્રા પ્રમાણમાં ઓછી રહેતાં પાણીએ વહેણ ગામ તરફ ફંટાવી દેતાં મોટાભાગનો વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. અનેક ઘરોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાવા લાગતાં એક તબક્કે પરિસ્થિતિ ગ્રામજનો માટે જોખમી બની હતી. જો કે, ગામના આગવાનો, માજી સરપંચ દિનેશગર બાવાજી, સરપંચ ઓસમાણ લંઘા, અગ્રણી દેવાંગ ગઢવી સહિત ચાલીસેક ગ્રામજનોએ સમયસૂચકતા વાપરી નદી પર આવેલા પુલની આગળના ભાગેથી યાંત્રિક સાધનોની મદદથી રાત્રે જ રોડને તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવતાં પાણી વહેવા લાગ્યું હતું અને અદ્ધર શ્વાસે બેઠેલા ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. માંડવીથી મુંદરા વાયા નાના ભાડિયા, શિરાચાને જોડતા રસ્તે થતી યાતાયાતને રાત્રે જ અટકાવી દેવાયો હતો. કફોડી સ્થિતિમાં મુકાયેલા ગ્રામજનોએ ધારાસભ્ય અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરતાં આજે સવારના ભાગમાં પાણી ઓસરી ગયા બાદ ઘટના સ્થળે આવેલા મદદનીશ ઇજનેર મયંકભાઇ અને ધારાસભ્યના અંગત મદદનીશ વિનુભાઇ થાનકીએ પરિસ્થિતિનો તાગ મેળવી બપોર બાદ તોડાયેલા રોડને પૂર્વવત કરાવવાના કાર્યોમાં લાગી ગયા હતા. મોડી રાત અથવા આવતીકાલ સવારથી આ રસ્તેથી યાતાયાત પૂર્વવત કરવાની આશા સેવાઇ રહી છે. દર ચોમાસે આ સ્થળે આ મુસીબતનું સર્જન થતું જ હોય છે. આ તકલીફના નિરાકરણ માટે ગ્રામજનોએ ધારાસભ્ય અને તંત્ર સમક્ષ આયોજનબદ્ધ રીતે નવો પુલ બનાવવાની માંગ સંતોષાઇ હોવાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. પુલ પર હયાત છ નાળાંને બદલે બાર નાળાંને સમાવતા અને 130 મીટર જેટલી લંબાઇ ધરાવતા પુલની માંગ ગ્રાહ્ય રખાઇ હોવા સાથે રૂા. સાત કરોડની લાગતથી આ કામના શ્રીગણેશ દિવાળી બાદ કરાશે તેવું મદદનીશ ઇજનેરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ પાણી પસાર ન થવાથી ઉપરોક્ત પુલને તોડવો પડયો હતો, જેથી તોડયા બાદ કરાતી મરંમત પાછળ ભ્રષ્ટાચાર આચરાતો હોવાની શક્યતા જાગૃત લોકોએ કરી વારંવાર તોડફોડ કરવી પડે તેના કરતાં એકવાર યોગ્ય આયોજનબદ્ધ રીતે કામ કરાય તો નાણાંનો વેડફાટ અટકી શકે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer