લખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ

લખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ
દયાપર (તા. લખપત), તા. 8 : છેવાડાના લખપત તાલુકામાં મંગળવારની રાત્રે પડેલા વરસાદે પ્રજાને ન્યાલ કરી નાખ્યા છે અને આજે વહેલી સવારે તાલુકાના 30 ગામને પીવાનું પાણી જ્યાંથી મળે છે તે ગોધાતડ ડેમ ઓગની જતાં લોકોમાં આનંદ વ્યાપ્યો છે. લખપત તાલુકાની જીવાદોરી સમાન ગોધાતડ ડેમ વહેલી સવારે  4 વાગ્યે ઓગની જતાં ઓગન ઉપરથી એક મીટર ઊંચેથી પાણીનો ધમધમાટ કરતા પ્રવાહે લોકોને આનંદ આપ્યો હતો.  આ ડેમ થકી આજુબાજુના વિસ્તારની 1200 એકર જમીન પિયત થાય છે, પણ ગત વર્ષે પિયત માટે ડેમનું પાણી આપવાનું બંધ કરાયું હતું તેથી 60 ટકા પાણીનો  જથ્થો ડેમમાં  હતો અને રાત્રે પડેલા વરસાદમાં આ ડેમમાં વધુ 40 ટકા પાણીનો જથ્થો આવતાં ઓગની ગયો હતો. બરંદા, મુડિયા, કાટિયા વિગેરે દક્ષિણ વિસ્તારમાં પણ રાત્રે પડેલા સારા વરસાદના કારણે ગોધાતડમાં પાણીની વધુ આવક થઇ હતી.આજે સવારે ગોધાતડ ડેમ સિંચાઇ ખેડૂત મંડળીના પ્રમુખ ભાણજીભા સોઢાએ ગોધાતડ ડેમના જળનું પૂજન કર્યું હતું. નાયબ મામલતદાર શ્રી ભાટી, એટીવીટીના સભ્ય જવાહરલાલ રામદયા, સુરતાજી તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ડેમ પર ઔદ્યોગિક વસાહત વર્માનગર, પાનધ્રો સહિત 30 ગામડાંઓ માટે 12 મહિના સુધી પાણીનો પ્રશ્ન એક ઝાટકે હલ થઇ ગયો છે. બીજી બાજુ રાત્રિ દરમ્યાન કોરિયાણી, કપુરાશી, મોટી છેર, નાની છેર, કનોજ, શેહ, નારાયણ સરોવર વિગેરે વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી રસ્તાનું પણ વ્યાપક ધોવાણ થયું છે. કપુરાશી પાસે નારાયણ સરોવર, લખપત માર્ગનું વ્યાપક ધોવાણ થતાં આજે સવારના મરંમતનું કાર્ય હાથ ધરાયું હતું. ગત રાત્રે પડેલા વરસાદમાં નારાયણ સરોવર વિસ્તારની ખાડીમાં 3 થાંભલા, કનોજ વિસ્તારમાં 3 થાંભલા સહિત કુલ્લ 8 વીજ થાંભલા પડી ગયા હતા. ઠેર-ઠેર વીજરેષાઓ તૂટી ગયા હતા, જેથી વીજતંત્રને ગામના સરપંચ દ્વારા જાણ કરાતાં ભુજથી અધિકારી સહિત દયાપરની ટીમો અહીં પહોંચી આવી હતી.  નારાયણ સરોવર જૂથ ગ્રા.પં.ના સરપંચ સુરૂભા જાડેજાએ આ બાબતે વીજતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે,  નારાયણ સરોવર-કોટેશ્વરની વીજલાઇનોનું મરંમત કામ શ્રી વોરા અને નાયબ ઇજનેર શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે કરાયું. ખરેખર આટલી ઝડપે કામગીરી તંત્રે કરી રાત્રે વીજ થાંભલા પડે અને વહેલી સવારે પીજીવીસીએલની ટીમો પહોંચી આવી મરંમત કાર્ય ચાલુ પણ કરી દીધું. રાત્રે પડેલા વરસાદથી નારાયણ સરોવરના પવિત્ર સરોવરમાં 12 ફૂટ પાણી આવતાં શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લાગણી છવાઇ છે. નજીકના  કનોજ, ગુઅર અને તેરા ગામના ડેમ ઓગની ગયા છે. તો બીજી બાજુ કોરિયાણી આસપાસના નાના ચેકડેમો પણ ઓગની જતાં પાણી હિલોળા લઇ રહ્યું છે. આજે સાંજ સુધી તાલુકામાં ક્યાંય વરસાદના વાવડ નથી, પરંતુ આકાશ કાળા વાદળોથી ગોરંભાયેલું છે તેથી વરસાદની હજુ શક્યતા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer