પટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા

પટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા
વસંત પટેલ દ્વારા-  કેરા, (તા. ભુજ), તા. 8 : કચ્છથી કેન્યા વાયા યુ.કે., ઓસ્ટ્રેલિયા સુધી ખુશીની વાછટથી ભીંજવનાર ધરતીના ધણીની મહેબાનીથી તાલુકાની પટેલ પટ્ટીના ગામોના તળાવ, તળાવડીઓ, ચેકડેમો છલકાતાં બુધવારે સોશિયલ દૂરી સાથે વધાવાયાં હતાં. સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ મુજબ દરેક કાર્યમાં ઠાકોરજીની પધરામણી સંતો-સાંખ્યયોગી બહેનો કરે છે. કેરા ગામે ઘનશ્યામ ટપ્પરીયાવાળી હરિ તળાવડી અને ગોપાલ ચેક ડેમ વધાવવા મંદિરના વરિષ્ઠ સાંખ્યયોગી સામબાઇ ફઇ, દેવબાઇ ફઇ, જશુબાઇ ફઇએ ઠાકોરજીની પધરામણી-પૂજન કર્યું હતું. સરપંચ દિનેશ હાલાઇ, સભ્ય મુકેશ વેકરીયા જેમના કાર્યકાળ દરમ્યાન આ ડેમની અરજી થઇ તેવાં યશોદાબેન હાલાઇ, પૂર્વ સરપંચ તુલસાબેન વાઘજીયાણી, ગામના રાજવંશી ભીખુભા જાડેજા સહિતના જોડાયા હતા. ઇજનેર શ્રી વાળા, મહેશ મેઘાણી હાજર રહ્યા હતા. સામત્રામાં સવા કરોડ રૂપિયાના ખર્ચે આફ્રિકાવાસી દાતાએ સર્જેલાં સાત તળાવ એક સાથે ઓગની જતાં કેનાલ સફળ રહી હતી. વાજતે ગાજતે જળપૂજન કરતાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે માતૃભૂમિ પ્રત્યેના વહાલને મેઘરાજાએ અનુમોદન આપ્યાનું કહ્યું હતું. દાતા કે. કે. પટેલ, સત્સંગી અગ્રણી અને કચ્છમાં નર્મદા કેનાલનું સ્વપ્ન સેવનાર દાતા લક્ષ્મણભાઇ રાઘવાણી, સરપંચ, ઉપસરપંચ, જાદવજી વાછાણી, સાંખ્યયોગી બહેનો, દેવશી વરસાણી, ગામના યુવાનો ઉમંગભેર જોડાયા હતા. સુરજપર-ભારાપર વચ્ચેની તળાવડી, ભારાસરનું પાંચા તળાવ, ગોડપરનું ભંગ-જામોરા, બાબિયા ડેમ છલકાતાં મેઘલાડુ પ્રસાદરૂપે વહેંચાયા હતા. ત્રણ દિવસના ભીના માહોલને ચીરતાં સાંજે તડકો દેખાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer