પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી

ભુજ, તા. 8 : અબડાસા મત વિસ્તારની વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીના અનુસંધાને ભારતીય ચૂંટણીપંચે આપેલી માર્ગદર્શિકા અનુસંધાને રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરાયેલા આદેશના અનુસંધાને આજે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ફરજ બજાવતા લોકરક્ષકથી સહાયક ફોજદાર કક્ષાના કુલ 165 કર્મચારીની બદલીના હુકમ કરાયા હતા. આ આદેશ તળે છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવનારાઓને આવરી લેવાયા છે. જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયા દ્વારા આજે રાત્રે સામૂહિક આંતરિક બદલીના આ હુકમો જારી કરાયા હતા. આદેશોની જાણ સંબંધિત પોલીસ મથકોને કરી દેવામાં આવી છે. સત્તાવાર સાધનોએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે પોલીસ જિલ્લામાં એક જ જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવનારાની બદલી કરવામાં આવી છે. જિલ્લાના તમામ 21 પોલીસ મથક અને વડામથક તથા શાખાઓને આવરી લેવાઇ છે. બદલી પામનારા કર્મચારીમાં લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સહાયક ફોજદાર કક્ષાના સ્ટાફનો સમાવેશ થાય છે.જે જે વિસ્તારમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે તે જિલ્લામાં આ પ્રકારની બદલીઓ માટે ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા જારી કરાયા બાદ રાજયના પોલીસવડા દ્વારા થયેલા હુકમો અન્વયે બદલીના આ આદેશ કરાયા હોવાનું સાધનોએ ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer