કચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે

ભુજ, તા. 8 : છેલ્લા બે દિવસથી કચ્છમાં મેઘરાજાની કૃપા વરસતાં ચોમાસાની શરૂઆતે જ ગામે ગામ મેઘોત્સવ જેવો માહોલ ખડો?થયો છે. જોકે ગઇ મોડી રાત્રે સમગ્ર જિલ્લામાં મેઘસવારી થંભી જતાં આજે મોટેભાગે ઉઘાડ નીકળ્યો હતો. આમ?ખેડૂતો હવે વાવણી કાર્યમાં મન પરોવશે. આ વખતે સારાં ચોમાસાંના મંડાણરૂપે લખપતથી રાપર સુધી છૂટાછવાયા, ઝાપટાંથી ધોધમાર વરસાદની હેલીથી અનેક તાલુકાના જળાશયોમાં નવાં નીર આવ્યાં છે તો મધ્યમ કક્ષાના પાંચ ડેમ અને નાની સિંચાઇના 32 ડેમ ઓગની જતાં ઘણા વિસ્તારમાં પાણી માટે `આત્મ નિર્ભરતા' મળી છે. ગઇ રાત્રિ બાદ આજે ક્યાંયથી વરસાદના હેવાલ નથી. સર્વત્ર વરાપ નીકળતાં ખેડૂતોએ  વાડી, ખેતર અને બિયારણ માટે દોટ મૂકી છે. અલબત્ત માંડવી વિસ્તારમાં વરસાદનું જોર વધુ હોતાં ખેતરોમાં નુકસાનીના પણ હેવાલ મળ્યા છે. રસ્તા અને પાળા પણ તૂટી ગયા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ન ભરાય તે માટે ખુદ સત્તાવાળાઓને રસ્તા તોડવાની ફરજ પડી છે. આ વખતે કોરોના મહામારીના લીધે ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે, પરંતુ કુદરતે સમયસર વરસાદ વરસાવીને ખોટ સરભર કરી દીધી હોય તેમ લોકો ઘડીભર કોરોના ભૂલીને  `મેઘોત્સવ'માં પરોવાયા છે. હજુ તો ચોમાસાંની શરૂઆત છે. પરંતુ આગામી દિવસોમાં વધુ વર્ષાની આશા વ્યક્ત થઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer