મોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી

ભુજ, તા. 8 : યુજીસીની માર્ગદર્શિકાના આધારે કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ યુનિવર્સિટીઓની નિર્ધારિત કરાયેલી પરીક્ષા લેવાની છૂટ આપી છે ત્યારે સૂચિત આદેશનો અમલ કરવાની કચ્છ યુનિ.એ પણ જરૂરી તૈયારીઓ આદરી દીધી છે. રાજ્ય સ્તરેથી જે સૂચના મળશે તેનો સ્થાનિક કક્ષાએ અમલ કરવામાં આવશે. કચ્છ યુનિ.નાઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. મનીષ પંડયાએ માહિતી આપતાં કહ્યું કે, કોરોનાની મહામારીના પગલે અનુસ્નાતક તેમજ લોની લેવાનારી જે પરીક્ષા મોકૂફ રાખી દેવામાં આવી હતી તે પરીક્ષા લેવા માટેની છૂટ આ માર્ગદર્શિકા મુજબ આપવામાં આવી છે. જો કે, હજુ કેન્દ્ર કક્ષાએથી રાજ્યના શિક્ષણ?વિભાગને આદેશ?કરાયા બાદ હવે રાજ્ય કક્ષાએથી જે પ્રકારનો આદેશ-સૂચના મળશે  તે મુજબ યુનિવર્સિટી પોતાની તૈયારીઓને આગળ ધપાવશે.દરમ્યાન, રાજ્ય સ્તરેથી એવી તજવીજ ચાલી રહી છે કે, સપ્ટેમ્બરના અંત સુધી તમામ પરીક્ષાઓ આટોપી લેવાય અને દિવાળી બાદ બીજું શૈક્ષણિક સત્ર નિયત રીતે આગળ વધે. જે પરીક્ષા લેવાય તેમાં ઓનલાઇન અને ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, કચ્છ યુનિ.માં 3000થી વધુ છાત્રની પરીક્ષા લેવાનારી હતી પણ આ પરીક્ષાનું આયોજન મોકૂફ રખાતાં હંગામી રાહત મળી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer