કચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો

ગાંધીધામ, તા. 8 :કચ્છના બે મહાબંદરોના કારણે પશ્ચિમ રેલવે માલપરિવહનમાં દેશભરમાં અગ્રેસર છે ત્યારે  અમદાવાદ ડિવિઝન દ્વારા માલપરિવહન વધુ સુદૃઢ બનાવવાના હેતુથી  બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ કાર્યાન્વિત કરવામાં  આવ્યું છે. પાંચ ઉચ્ચાધિકારીઓની સમિતિ    વ્યાપાર સંવર્ધન માટે કાર્યરત રહેશે. ડિવિઝનલ રેલવે મેનેજર  દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેમાં સર્વાધિક આવક કરનારા ડિવિઝનમાં અમદાવાદ ડિવિઝન મોખરે છે. મંડળની આવક વધારવામાં કચ્છના કંડલા, તુણા અને મુંદરા પોર્ટની મહત્ત્વની ભૂમિકા છે. આ ઉપરાંત પ્રાઈવેટ ફ્રેટ ટર્મિનલ અને ગુડઝ શેડ પણ સમાવિષ્ટ છે. કચ્છના ત્રણ પોર્ટ ઉપરથી થતી માલ પરિવહનની  કામગીરીને વધુ ગુણવત્તાસભર બનાવવા અને તેમાં ઓર વૃદ્ધિ કરવાના હેતુથી અમદાવાદ ખાતે બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ કાર્યરત કરાયું  છે. આ યુનિટમાં અમદાવાદ ડિવિઝનના ટ્રાન્સપોર્ટેશન, વાણિજ્ય, નાણાકીય વિભાગ, એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ પાંચ સભ્યોની ટીમ દ્વારા રેલવેની આવકમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ, વ્યવસાયિક સંગઠનો, વ્યાપારી સંગઠનો, ઉદ્યોગપતિઓની સાથે સતત જીવંત સંપર્ક બનાવી માલ લોડિંગમાં તમામ શક્ય હોય તે સહાયતા ઉપલબ્ધ કરાવશે. આ સમિતિ નવા  ટ્રાફિકની દરખાસ્તને ઝડપથી કાર્યાન્વિત કરશે. જો કોઈ ગ્રાહક ઉત્પાદનને અમદાવાદ મંડળથી પરિવહન કરવા ઈચ્છુક હોય તો મંડલ પરિચાલન પ્રબંધક, ફોન નં- 079 22204008 ઉપર અથવા [email protected]  ઈ-મેઈલ એડ્રેસ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.   રેલવેના અંતરંગ વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ વરિષ્ઠ અધિકારીઓની પાંચ સભ્યોની સમિતિ નજીકના જ ભવિષ્યમાં કંડલા, મુન્દ્રા, તુણા બંદરની મુલાકાત લેશે. રેલવે દ્વારા  સમયપત્રક સાથે કન્ટેનર ટ્રેન દોડાવવાનો પાઈલોટ પ્રોજેકટ  આદર્યો છે. જેમાં મુન્દ્રા બંદર ખાતે આવતી બે કન્ટેનર ટ્રેનો નિર્ધારિત કલાકોમાં પહોંચાડવામાં આવે છે. આ પ્રોજેકટમાં સફળતા મળ્યા બાદ ગ્રાહકોને નિયત સમયમાં માલ પહોંચાડવા માટેની ખાતરી સાથે પરિવહન કરાશે. પાંચ સદસ્યોની સમિતિ આ દિશામાં પણ કાર્ય કરશે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer