દીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે

ગાંધીધામ, તા. 8 : દેશના અગ્રણી મહાબંદર દીનદયાળ પોર્ટ ખાતે હેન્ડલ થતા લિક્વિડ કાર્ગોની ક્ષમતા હવે બેવડાઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે. બંદર પ્રશાસનના જણાવ્યા પ્રમાણે વધુ ત્રણ ઓઈલ જેટીના ટેન્ડર તાજેતરમાં જ બહાર પડાયાં છે. આ જેટીઓ તૈયાર થયા પછી મહાબંદરની ઓઈલ જેટીઓની સંખ્યા 11 થઈ જશે. ડીપીટી અધ્યક્ષ સંજય મહેતાને ટાંકીને ડીપીટીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, હાલે દીનદયાળ બંદરે છ પ્રવાહી કાર્ગો જેટી કાર્યરત છે. બીજી બે જેટીનું બાંધકામ ચાલી રહ્યું છે અને વધુ ત્રણ જેટીના ટેન્ડરો બહાર પાડી દેવાયાં છે. હાલે ડીપીટી દ્વારા વાર્ષિક 12 મિ મે. ટન પ્રવાહી કાર્ગોની હેરફેર કરાઈ રહી છે. હવે 11 જેટીઓ કાર્યરત થશે પછી આ ક્ષમતા બેવડાઈને 24.5 મિ. મે. ટન થઈ જશે.રૂા. 550 કરોડના ખર્ચે નવી ત્રણ જેટી નં. 9, 10 અને 11નું નિર્માણ થવાનું છે.ડીપીટીના માલસામાન હેરફેરના કુલ આંકડામાં પ્રવાહી કાર્ગોનું પ્રદાન 60 ટકા જેટલું છે જેમાં પેટ્રોલિયમ, ઓઈલ,  લુબ્રિકેટીંગ પ્રોડકટ, ખાદ્યતેલ, ફોસ્ફેરિક એસિડ અને એલ.પી.જી.નો સમાવેશ થાય  છે. હવે આ ક્ષમતા બેવડાઈ જશે તેવું આ સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer