લાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ

ભુજ, તા. 8 : ડ્રાઇવીંગ લાયસન્સમાં સરનામું બદલવા માટેની સરકારી પ્રક્રિયા દરમ્યાન ભારતીય ચૂંટણી પંચનું બનાવટી ઓળખપત્ર રજૂ કરવાના અત્રેની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરીના મામલામાં ફોજદારી દાખલ કરાવાયા બાદ સંબંધિત પરપ્રાંતીય શખ્સ અને તેના મદદકર્તાની પોલીસે ધરપકડ કરી હતી. બહાર આવેલી વિગતો અનુસાર આર.ટી.ઓ. કચેરીની કાર્યવાહી દરમ્યાન રજૂ થયેલું ચૂંટણીકાર્ડ શંકાસ્પદ લાગતાં તેની ખરાઇ કરાવાતાં તે નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ પછી કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક પાર્થ મહેન્દ્ર સોલંકીએ મૂળ બિહારના મુઝફરપુરના વતની મોહમદઅબ્બાસ મુરતજાઅલી અંસારી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. અત્રેના બી. ડિવિઝન પોલીસ મથકે આ ગુનો દાખલ કર્યા બાદ આરોપી મોહમદઅબ્બાસ અને તેના મદદકર્તા લવપ્રિતસિંગ જયરૂપસિંગ સરદારને ઉઠાવી લીધા હતા. આ બન્નેનો કોરોના ટેસ્ટ કરાવાયા બાદ તેમની વિધિવત ધરપકડ કરાઇ હતી.  પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપી મોહમદઅબ્બાસ બિહારનું ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવે છે. હાલે તે ભુજમાં માધાપર હાઇવે સ્થિત ડાંગર રોડ લાઇન્સ નામની પેઢી સાથે સંકળાયેલો છે. આ ઇસમને તેના લાયસન્સમાં સરનામું બદલવાનું હોવાથી તેણે આર.ટી.ઓ. કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી. કચેરીની તપાસણી દરમ્યાન રજૂ થયેલું ચૂંટણીકાર્ડ શંકાસ્પદ જણાયા બાદ તેની ઓનલાઇન તપાસણી કરાતાં તે બોગસ હોવાનું સપાટીએ આવતાં આ સમગ્ર મામલો પ્રકાશમાન થયો હતો.દરમ્યાન પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સી.ડી. પટેલના માર્ગદર્શન અને સૂચના બાદ પાર્થ સોલંકીએ મોહમદઅબ્બાસ સામે વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એ. ઝાલાને આ તપાસ સોંપાતાં તેમણે મોહમદઅબ્બાસને પકડયો હતો. આ ઇસમે પ્રાથમિક પૂછતાછમાં તેને હાલે માધાપર હાઇવે ખાતે ગેરેજનું કામ કરતો લવપ્રિતાસિંગ સરદાર મદદરૂપ બન્યો હોવાની કેફિયત આપતા પોલીસે લવલી પાજી તરીકે ઓળખાતા આ શખ્સને પણ ઉઠાવી લીધો હતો. બન્ને તહોમતદારના કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી તેમની વિધિવત ધરપકડ કરી હતી. કેસની આગળની છાનબીનમાં સંડોવણી ધરાવનારા અન્યોની ભૂમિકા પણ ખૂલવાની સંભાવના જોવાઇ રહી છે.દરમ્યાન આર.ટી.ઓ. કચેરીને સંલગ્ન સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર મદદકર્તા તરીકે પકડાયેલો લવલી પાજી ભૂતકાળમાં ભુજની આ કચેરીની લાયસન્સ એજન્સી તરીકે કામ કરનારી પેઢીના ફોલ્ડરીયા તરીકે કાર્યરત હતો. કચેરીના કામકાજ અને પ્રક્રિયાથી વાકેફ એવા આ શખ્સની પૂછતાછમાં મહત્ત્વની વિગતો મળી રહે તેમ હોવાનું ચર્ચાઇ રહયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer