કચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો

ભુજ, તા. 8 : જેઠમાં આગોતરી મહેર કર્યા બાદ અષાઢના મધ્યભાગે જિલ્લામાં સચરાચરી મહેરના પગલે આ જળતરસ્યા મુલકમાં ન માત્ર દુષ્કાળના ઓળા દૂર કર્યા છે, બલ્કે જનજીવનમાં એક નવી ચેતનાનો સંચાર કર્યો છે ત્યારે ભૂતકાળ તપાસીએ તો કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે જુલાઈ માસ અતિ મહત્ત્વનો સાબિત થયો છે અને આ વખતે પણ જુલાઈ માસમાં મેઘરાજાએ કચ્છના અનેક વિસ્તારોને જળ તરબોળ કરી દેતી મહેર વરસાવી છે. કચ્છની વાત કરીએ તો આ જિલ્લામાં જુલાઈમાં જ સર્વાધિક વરસાદ વરસ્યો છે અને જ્યારે જ્યારે પણ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ તે જુલાઈ માસમાં જ સર્વાધિક સર્જાયાનું ભૂતકાળમાં આ જિલ્લામાં વરસેલા વરસાદી આંકડા કહી રહ્યા છે. 1959 અને 1994ની સાલમાં ભુજમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હોય કે પછી માંડવીમાં વરસેલો ઓલટાઈમ હાઈ 68 ઈંચ વરસાદ હોય આ તમામ ગતિવિધિઓ જુલાઈ માસમાં જ ઘટી છે. વળી રાજ્યના અન્ય વિસ્તારોમાં ભલેને 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય પણ કચ્છમાં તો તેની ખરી જમાવટ જુલાઈ માસમાં જ જોવા મળતી હોય છે. ગત વર્ષની વાત હોય કે પછી 2015 અને 2017ની સાલમાં ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું હોય. આ તમામ ગતિવિધિઓ જુલાઈ માસમાં ઘટી હોવાના કારણે કચ્છમાં વરસાદ માટે જુલાઈ માસ સૌથી વધુ શુકનવંતો મનાય છે. જો વરસાદ ખેંચાવાની સ્થિતિ સર્જાય તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. આવું 1979 અને 2011ની સાલ સહિતના વર્ષોમાં બન્યું હોવાના દાખલા મોજૂદ છે. જુલાઈની શરૂઆતથી આ વખતે મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે હજુ તમામ નદી-નાળાં- ડેમ છલકાઈ જાય તેવા વરસાદની કચ્છી માડુઓ પ્રાર્થના કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer